ગાંધીનગર, રાજ્યમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી હતી. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપ દ્વારા ક્યાં શહેરમાં કોને મેયર બનાવવા તે અંગેનું મનોમંથન શરૂ કરી દીધુ છે. જેના ભાગરૂપે આગામી સપ્તાહના અંત સુધીમાં રાજ્યના છ મહાનગરોમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક થઈ જશે. આ માટે દરેક શહેરના મ્યુનિસિપલ કમિશનરે પણ કોર્પોરેશનની જનરલ બેઠક યોજનાની તૈયારી કરી આરંભી દીધી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છ મહાનગરોની જનતાએ ફરી એક વખત ભાજપને સત્તા સોંપી છે. મહાપાલિકાઓમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પક્ષ દ્વારા પણ મેયરોના નામ નક્કી કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ છ મહાનગરોમાં સૌથી પહેલા અમદાવાદ અને ભાવનગર શહેરને મેયર સહિતના પદાધિકારીઓ મળી જશે. ત્યાર બાદ સંસ્કારી નગરી વડોદરા અને રંગીલા રાજકોટને શિવરાત્રીના દિવસે મેયર સહિતના પદાધિકારીઓ મળી જશે. જયારે સુરત અને જામનગરને ૧૨મી માર્ચે મળી જશે.

અમદાવાદ અને ભાવનગર શહેરને આગામી તા. ૧૦ મી માર્ચના રોજ નવા મેયર મળી જશે. કારણ કે, આગામી તા. ૧૦ માર્ચના રોજ અમદાવાદ મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાને બેઠક મળવાની છે. આ બેઠકમાં નવા ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો હાજર રહેશે. આમ અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં બંને મહાપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવશે. જયારે વડોદરા અને રાજકોટ શહેરને મહાશિવરાત્રીના દિવસે એટલે કે તા. ૧૧ મી માર્ચના રોજ નવા મેયર સહિતના પદાધિકારીઓ મળી જશે આ ઉપરાંત સુરત અને જામનગર શહેરને આગામી તા. ૧૨મી માર્ચના રોજ નવા મેયર સહિતના પદાધિકારીઓ મળી જશે.