નડિયાદ : નડિયાદ નગરપાલિકા અંતર્ગત આવતાં વિસ્તારોમાં ગંદકી સામાન્ય પ્રશ્ન બની ગયો છે. તેમાંય ખાસ કરીને જે વિસ્તારોમાં પછાત વર્ગ વસે છે ત્યાં પાલિકા દ્વારા નિયમિત સાફ-સફાઈ ન થતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો પણ ગુટલીબાજ હોવાનું રહીશો જણાવી રહ્યાં છે. રહીશોનો આક્ષેપ છે કે, કાઉન્સિલરો ફક્ત વોટ લેવાના સમયે વિસ્તારમાં આવે છે. બાકીના ૫ વર્ષ સુધી તેઓ કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે સમય ફાળવતાં નથી. 

આ સમગ્ર ઘટના કંઈક એમ છે કે, નડિયાદ વોર્ડ નંબર-૧૩માં આવેલાં હરિઓમ નગર અને ઢીંઢાવાડિયા વિસ્તાર સહિત સમગ્ર ચકલાસી ભાગોળમાં સફાઈના નામે શૂન્ય છે. આ વિસ્તારમાં પાલિકા નિયમિત કચરો ન ઊઠાવતી હોવાના આરોપ સ્થાનિકો કરી રહ્યાં છે. ગટર, પાણી અને રોડ સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની નગરપાલિકાની ફરજ છે. તેમ છતાં આ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ક્યાંક પાલિકા ઉણી ઊતરી રહી છે. શહેરના આ વિસ્તારમાં ચકલાસી ભાગોળ પરના કાંસ ઉપરના ભાગે મોટા પાયે ગંદકી ખડકાયેલી રહે છે. આ ઉપરાંત ઢીંઢાવાડીયા વિસ્તારમાં બાળકો રમી શકે તેવો કોમન પ્લોટ છે. ત્યાં કચરો નાખવાની અસુવિધાને કારણે લોકો કચરો ઠાલવે છે. જેનાં કારણે મોટા પાયે ગંદકી અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આ સમગ્ર બાબતે સ્થાનિક રહીશોના મતે આ વિસ્તારમાં મોટા ભાગે પછાત વર્ગો રહેતા હોવાથી પાલિકા દ્વારા ભેદભાવ કરવામાં આવે છે. કારણ કે, આ જ વિસ્તારથી ૫૦૦ મીટરના અંતરે આવેલી મહાગુજરાત નજીકની સોસાયટીઓ અને ૧ કિલોમીટરના અંતરે આવેલાં વાણીયાવાડ વિસ્તારમાં જ્યાં મોટા ભાગે સવર્ણ વર્ગ વસે છે. ત્યાં આ પ્રકારના ગંદકીના ઢગ કોઈ પણ જગ્યાએ જાેવાં મળતાં નથી. 

બીજી તરફ ગંદકીથી ખદબદતાં આ વિસ્તારમાં મોટાપાયે રોગચાળો ફેલાવાની દહેશત છે. હાલ ચોમાસાની ઋતુ તેનાં અંતિમ ચરણોમાં છે ત્યારે ગંદકીના કારણે ઉપદ્રવતા મચ્છરો અને જીવ-જંતુઓના કારણે બીમારી ફેલાવવાની શક્યતાઓ રહેલી છે. મેલેરિયા, ટાઈફોડ અને ચિકનગુનિયા સહિતના રોગોની દહેશતને પગલે સ્થાનિકોએ તાત્કાલિક આ બાબતે ચોક્કસ પગલાં લેવાની માગ કરી છે.

વધુમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ વિસ્તારના કાઉન્સિલરો ફક્ત ચૂંટણી સમયે જ નજરે પડે છે. બાકીના સમયમાં તેઓ ક્યારેય વિસ્તારની પરિસ્થિતિ અને સમસ્યાઓ સંદર્ભે વાતચીત કરવા સુદ્ધાં તૈયાર નથી. ગંદકીના ઢગ અને પ્રદૂષણ દૂર કરવા માટે વારંવાર નગરપાલિકાઓમાં અને સ્થાનિક કાઉન્સિલરો સહિત સફાઈના કામકાજ પર ધ્યાન રાખતાં વિસ્તારના કર્મચારીઓને રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. તેવાં સંજાેગોમાં પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારોમાં કચરાપેટીની ફાળવણી કરી રોજબરોજ ત્યાંથી કચરો ઉપાડી જવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઊઠી છે.