દાહોદ

રાજ્યમાં વધતી જતી બેરોજગારી બાબતે યોગ્ય કાર્યવાહી કરવા દાહોદ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તે આવેદનપત્ર ગુજરાત સરકારને પહોંચાડવાની અપીલ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬માં થયેલી નોટ બંધી વર્ષ ૨૦૧૮ માં લાગુ થયેલ જી.એસ.ટી કાયદાથી દેશમાં મંદીનો માહોલ ઉભો થયો હતો અને એમાંય વર્ષ ૨૦૨૦માં આવેલ કોરોના ની મહામારીને કારણે લાગુ કરવામાં આવેલ લોકડાઉન થી તો દેશમાં ભયાનક મંદી આવી છે અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. લાખો બેરોજગાર યુવાનો સરકાર સામે નોકરી યા રોજગારીની આશા રાખીને બેઠા છે. જેથી સરકાર આવી પરિસ્થિતિમાં યોગ્ય નીતિ બનાવે અને યુવાનોને રાહત થાય તે દિશામાં યોગ્ય પગલાં લે તે અત્યંત જરૂરી બન્યું છે. જાે બેરોજગાર યુવાનો માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો જિલ્લા યુવક કોંગ્રેસ આ મુદ્દે સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશે જેની જવાબદારી સરકારની રહેશે.