વડોદરા ઃ વડોદરા શહેરમાં પાણીની પાઇપ લાઈનના ભંગાણને મામલે સૌથી વધુ રેકોર્ડ સ્થાપનાર સરદાર એસ્ટેટ વિસ્તાર આસપાસની પાણીની પાઇપ લાઈનમાં વધુ એક વખત ભંગાણ સર્જાવા પામ્યું છે. જેને લઈને હજારો ગેલન પાણી માર્ગ ઉપર વહી ગયું હતું.આ ભંગાણને કારણે એના કમાન્ડના વિસ્તારોમાં ઓછા દબાણથી તેમજ પાણી નહિ માલ્યાની ફરિયાદો ઉઠવા પામી હતી.આ વિસ્તારની પાઇપ લાઈનમાં હલકી ગુણવત્તાના કામને લઈને આંતરે દિવસે ભંગાણો સર્જાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. 

વુડાના મકાનમાં પાણી ન મળતા રહીશોના દેખાવો

વડોદરા મહાનગર પાલિકા અને વુડા દ્વારા શહેરી અને આઉટ ગ્રોથ વિસ્તારોમાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો માટે આવાસો બનાવવામાં આવે છે.પરંતુ આ આવાસોમાં અપૂરતી સુવિધાઓ અને હલકી કક્ષાની કામગીરી બાબતે રહીશો દ્વારા અવારનવાર ફરિયાદો કરવામાં આવે છે.પરંતુ બહેરા તંત્રના કાને આવી ફરિયાદો અથડાઈને પરત ફરે છે. તેમ છતાં ભૂલો સુધારવાને માટે કે સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે એને માટે કોઈપણ પ્રકારના પગલાં લેવાતા નથી એવી રહીશો દ્વારા ફરિયાદ કરાઈ હતી.પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીનો જંગી જથ્થો વહી ગયો હતો.

ચકલી સર્કલ પાસે વધુ એક ભુવો પડ્યો

શહેરમાં વરસાદના આગમન પછીથી વિવિધ વિસ્તારોમાં નાણાંથી લઈને મોટા ભૂવાઓ પાડવાનો સિલસિલો જારી રહેવા પામ્યો છે. આવો જ વધુ એક ભુવો ચકલી સર્કલ પાસે પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ભૂવાઓ પૂરવાને માટે થતા વિલંબ સામે રોષ વ્યક્ત કરાયો હતો.

છાણીમાં વીજ ધાંધિયાથી વીજ કચેરીએે દેખાવો

છાણીમાં છાસવારે વીજળી ગુલ થઇ જવાના કે વીજળીના ધાંધિયાને લઈને સ્થાનિક રહીશો હેરાનપરેશાન થઇ ગયા છે.આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના ઠોસ પગલાં લેવામાં આવતા નથી.એના વિરોધમાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલની કચેરી ખાતે દેખાવો યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા.