વડોદરા : નાગરવાડામાં બ્રાહ્મણ પરિવારની ૨૪ વર્ષીય પુત્રી ભેદી સંજાેગોમાં ગુમ થયા બાદ તે નાગરવાડામાં રહેતા મુસ્લીમ યુવક સાથે મુંબઈમાં લગ્ન કરીને ઘરસંસાર માંડવા માટે અત્રે આવી હોવાની જાણ થતા જ લવજેહાદની વાતે આ વિસ્તારમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. આજે આ બંને યુગલને કારેલીબાગ પોલીસ મથકે બોલાવવામાં આવતા બંને પક્ષના ટોળેટોળા પણ પોલીસ મથકે આવી પહોંચતા ઉશ્કેરાટ ફેલાયો હતો. જાેકે બંને પક્ષે ઉગ્ર દલીલો બાદ હિન્દુ યુવતીએ હાલ પુરતું પોતાના પિયરમાં જવા માટે રાજી થતા મામલો થાળે પડ્યો હતો અને પોલીસે બંનેને બંદોબસ્ત સાથે પોતપોતાના ઘરે પહોંચાડયા હતા.  

નાગરવાડામાં પરિવાર સાથે રહેતી બ્રાહ્મણ પરિવારની ૨૪ વર્ષીય યુવતી ભેદી સંજાેગોમાં ગુમ થતાં તેના ભાઈએ કારેલીબાગ પોલીસ મથકમાં બહેનના ગુમ થવા અંગે અરજી આપી હતી. દરમિયાન આ યુવતીએ ગઈ કાલે વડોદરામાં આવીને કારેલીબાગ પોલીસ મથકમાં એવી અરજી કરી હતી કે તે નાગરવાડામાં રહેતા મુસ્લીમ યુવક સાથે પ્રેમસંબંધ હોઈ તેણે હિન્દુ ધર્મનો ત્યાગ કરી મુસ્લીમ ધર્મનો સ્વીકાર કર્યો છે તેમજ તેણે મુંબઈ ખાતે ગત ૬ઠ્ઠી તારીખે પરિવારજનોની મરજી વિરુધ્ધ ઈસ્લામી શરિયત મુજબ લગ્ન કર્યા છે અને આ લગ્ન માટે કોઈ જાતનું દબાણ નથી. હું મારા પતિ સાથે પત્નીના દરજ્જે પતિના ઘરે રહેવા આવી છું પરંતું મને ડર છે કે અમારા ઘરવાળા પિયર લઈ જવા દબાવવાનો પ્રયાસ કરશે.

આ અરજીના પગલે કારેલીબાગ પોલીસે આજે બપોર બાદ હિન્દુ યુવતી અને મુસ્લીમ યુવકને પોલીસ મથકે નિવેદન માટે બોલાવ્યા હતા. જાેકે બ્રાહ્મણ યુવતીના મુસ્લીમ યુવક સાથે લગ્ન થયાની જાણ થતાં લવજેહાદની વાત આ વિસ્તારમાં વાયુવેગે પ્રસરી હતી અને ઉક્ત યુવક-યુવતીના બંને પક્ષના ટોળા કારેલીબાગ પોલીસ મથકની બહાર ભેગા થતાં એક તબક્કે ઉશ્કેરાટ ફેલાયો હતો અને રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. બંને પક્ષોના અગ્રણીઓ પણ પોલીસ મથકે આવી પહોંચતા પોલીસે બંનેના પરિવારજનો અને અગ્રણીઓને સાથે રાખી મસલત શરૂ કરી હતી. આ બનાવથી શહેરમાં કોમી તંગદીલી ફેલાય અને તેનો કોઈ ગેરલાભ લે તેવી શક્યતાની સમજાવટ બાદ આખરે યુવક-યુવતી પોતપોતાના ઘરે જવા માટે રાજી થતા પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવક-યુવતીને તેઓના ઘરે પહોંચાડવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.

ધર્મપરિવર્તનની કોઈ અરજી નથી તો લગ્ન કેવી રીતે થયા

લવજેહાદ મુદ્દે ઉગ્ર લડત ચલાવતા વકીલ નીરજ જૈને જણાવ્યું હતું કે હિન્દુ યુવતીએ ધર્મપરિવર્તન માટે કોઈ અરજી કરી નથી તો તેણે કેવી રીતે મુસ્લીમ ધર્મ અંગીકાર કરી લગ્ન કર્યું તે મુદ્દે તપાસ થવી જાેઈએ. હિન્દુ યુવતીઓને ભગાડી જઈ તેમજ તેઓનું ધર્મપરિવર્તન કરાવવા માટે ષડયંત્ર ચાલી રહ્યું છે તે અટકાવવા માટે ગુજરાત સરકારે પણ ઉત્તરપ્રદેશની જેમ લવજેહાદ વિરોધમાં તુરંત કાયદો બનાવે તેવી હિન્દુ સંગઠનોની ઉગ્ર માગણી છે.

યુવતિના પિતા પોલીસ સ્ટેશનમાં ઢળી પડયાં

આજે બપોરે બ્રાહ્મણ યુવતિ અને તેના કથીત પતિ સાથે બંનેના પરિવારજનોને પણ પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જયાં પોતાની પુત્રીને મુસ્લીમ યુવતિના પરિવેશમાં જાેતા જ યુવતિના પરિવારજનો ચોકી ઉઠયા હતા. એક તબકકે પોતાની વહાલીસોયી પુત્રીને પિતાએ ઘરે પોતાની સાથે આવવા માટે કાકલુદી કરી પરંતુ નફ્ફટ પુત્રીએ ધરાર ઈન્કાર કરતાં પુત્રીના આવા વર્તનથી આઘાતમાં સરી પડેલા પિતા બેભાન થઈ ગયા હતા.

છોટાઉદેપુરમાં લગ્નનો પ્રયાસ નિષ્ફળ જતા મુંબઈમાં લગ્ન કર્યા

આ બનાવ અંગે કારેલીબાગ પીઆઈ આર એ જાડેજાએ જણાવ્યું હતું કે હિન્દુ યુવતી અને મુસ્લીમ યુવકે છોટાઉદેપુરમાં લગ્નનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવતીના ઘરે વાંધાઅરજીની નોટીસ ઈશ્યુ થતાં આ બંનેને તેઓના લગ્ન નહી થઈ શકે તેમ લાગતા તેઓ મુંબઈ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં ધર્મપરિવર્તન કરીને તેઓએ બાંદ્રા ખાતે મુસ્લીમ શરિયત મુજબ લગ્ન કર્યા હતા અને તેનું સર્ટીફિકેટ મેળવી તેઓ વડોદરા આવ્યા છે.

હું રહીશ તો મુસ્લીમ યુવક સાથે જ નહી તો મરી જઈશ  

બ્રાહ્મણ પરિવારની યુવતીની પરિવારજનો અને પોલીસે સમજાવટ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મારા મુસ્લીમ યુવક સાથે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ છે અને અમે સાથે જીવવા-મરવાના સમ ખાધા છે. મે તેની સાથે લગ્ન કર્યા છે જેથી હું તેની સાથે જ રહીશ નહી તો હું મરી જઈશ. હિન્દુ યુવક અને મુસ્લીમ યુવકના લગ્નનો સંવેદનશીલ મુદ્દે ભેગા થયેલા ટોળામાં ઉશ્કેરાટ હોઈ સાવચેતીના ભાગરૂપે કારેલીબાગ પોલીસને પોલીસ મથકના દરવાજા પણ એક તબક્કે બંધ કરી દેવાની ફરજ પડી હતી.