દિલ્હી-

ચીન અને ભારત વચ્ચે સ્થિતિ ફરી એક વખત તંગ બની છે. પેંગોંગ તળાવ વિસ્તારમાં ચીની સૈનિકો ઘૂસ્યા છે, જેનો જવાબ ભારતીય સૈનિકોએ આપ્યો છે. ચીને આ ધૂરતા અનેક તબક્કાની વાટાઘાટો છતાં કરી છે. આવી સ્થિતિમાં ભારત સરકાર વિશે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીનની કાર્યવાહી બાદ તેમની જ સરકાર પર સવાલો ઉભા કર્યા છે. સ્વામીએ ટવીટ કરીને કહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા પછી પણ ચીનીઓ ભારતીય નેતાઓની સન્માન કરતા નથી.

સ્વામીએ એક ટ્વિટમાં લખ્યું કે, "ચીને ભારત માટે નિર્ણય કર્યો છે, દુર્ભાગ્યે સરકારને તેનો ભાન નથી. આપણે ચીન વિશે નિર્ણય લેવો જોઈએ. અસભ્ય બનો, હું ફરીથી કહું છું, અસભ્ય બનો અને ટેબલ પર બેસશો નહીં. 5 વર્ષમાં 18 વખત શી જિનપિંગ સાથે બેઠક કર્યા પછી, ચીની ભારતીય નેતાઓની કદર નથી કરતા.

ચીનના સૈનિકોએ 29-30 ઓગસ્ટની રાત્રે પૂર્વી લદ્દાખમાં ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ચીની સૈનિકોએ અગાઉની વાટાઘાટોની સંમતિનું ઉલ્લંઘન કર્યું છે અને સ્થિતિને બદલવા માટે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે. ભારતીય લશ્કરે પેંગોંગ તળાવના દક્ષિણ વિસ્તારમાં ચીની આર્મીની પ્રવૃત્તિને જવાબ આપ્યો છે.