દેવગઢ બારિયા

દેવગઢબારીયા નગરપાલિકામાં નગરની જનતા સેવા કરવા માટે ચૂંટીને મોકલેલા સભ્યોએ માત્ર મેવા ખાવાનું જ કામ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. દેવગઢબારિયાની જનતાને મફતમાં ઇન્ટરનેટ સેવા મળે તેમજ સુરક્ષા હેતુ અંતર્ગત સી.સી.ટીવી કેમેરા મૂકી શકાય તે માટે સરકારના ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત દેવગઢબારીયા નગરપાલિકામાં તત્કાલીન પ્રમુખ દ્વારા સામાન્ય સભામાં ઠરાવ કરી તે યોજનાને સર્વાનુમતે મંજૂર કરી તે માટેનો ખર્ચ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ભરવાનો ઠરાવ થયો હતો અને તે માટે શહેરમાં ટાવરો ઉભા કરી લાઈનો પણ ખેંચી લેવામાં આવી હતી અને આ કામમાં રૂપિયા ૩૫ લાખનો ખર્ચ થયા બાદ તત્કાલીન પ્રમુખએ કોઈ કારણસર તે યોજનાને રદ કરવાનો શેખચલ્લી જેવો ર્નિણય લેતા તે કામ અટકી જતા સરકારી નાણાંનો દુર્વ્યય થયેલ જણાતા ગુજરાતમાં ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી ખર્ચ કરેલ રકમ સંબંધિત પાસેથી વસૂલ કરવા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ વડોદરા દ્વારા હુકમ કરાતા બારીયા પાલિકામાં ખડાત મચી જવા પામ્યો છે. વર્ષ ૨૦૧૭ માં દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ પદે ડોક્ટર ચાર્મી સોનિ હતા તે સમયે તારીખ ૨૪.૫.૨૦૧૭ ના રોજ યોજાયેલ સામાન્ય સભામાં વાઇફાઇ ઝોન માટે ઠરાવની સર્વાનુમતે મંજુરી મેળવી હતી. તેમજ તે માટે ૩૬ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં ટાવર ઉભા કરી લાઈનો પણ ખેંચવામાં આવી હતી. જેમાં કુલ ખર્ચ ૩૫ લાખ જેટલો થયો હતો. આ કામગીરી હાલ સરકારના ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં પ્રજાને ફ્રી ઇન્ટરનેટ સેવા મળે તેમજ સુરક્ષા હેતુ સી.સી.ટીવી કેમેરા મૂકી શકાય તે હેતુથી ચાલુ કરવામાં આવી હતી. જેમાં વાર્ષિક ખર્ચ રૂપિયા છ(૬) લાખનો થાય છે.