વડોદરા, તા.૫

એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફી કરતાં વધુ ફી વસૂલવામાં આવતાં શહેરની પોદાર વર્લ્ડ, પોદાર ઈન્ટરનેશનલ, ડીપીએસ કલાલી અને ડીપીએસ હરણી સ્કૂલ સામે વડોદરા ફી નિયમન સમિતિએ લાલ આંખ કરી છે. લેટ ફી, ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે લીધેલા રૂા.૧.૦૯ કરોડની રકમ વાલીઓને પરત આપવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત પોદાર વર્લ્ડને રૂા.ર લાખ અને પોદારા ઈન્ટરનેશનલ સ્કૂલને રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો છે. એફઆરસીના આદેશને પગલે વાલીઓમાં ખુશી જાેવા મળી હતી.વડોદરા જિલ્લા ફી નિયમન સમિતિ દ્વારા નિર્ધારીત કરાયેલી ફી કરતાં વધુ ફી કે અન્ય કારણોસર વાલીઓ પાસેથી લેવાતાં નાણાં પરત આપવા ત્રણ સ્કૂલોને આદેશ કર્યા બાદ ફી નિયમન સમિતિએ વડોદરા શહેરની વધુ ચાર સ્કૂલો સામે કાર્યવાહી કરી છે. આ ચાર સ્કૂલોમાં આજવા રોડ સિકંદરપુરા સ્થિત પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, શેરખી સ્થિત પોદરા વર્લ્ડ સ્કૂલ, ડીપીએસ કલાલી અને ડીપીએસ હરણી સ્કૂલનો સમાવેશ થાય છે. પોદરા વર્લ્ડ સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે લેટ ફીના નામે રૂા.ર.ર૩ લાખ વસૂલ્યા હતા. આ રકમ પરત કરવાનો આદેશ તેમજ રૂા. ર લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલે છેલ્લા ત્રણ મહિનામાં ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે વધુ રકમ વસૂલી હતી જે ર૭ લાખ જેટલી રકમ પરત કરવા આદેશ કર્યો હતો અને રૂા.૧ લાખનો દંડ ફટકાર્યો હતો.

આ ઉપરાંત ડીપીએસ કલાલી અને હરણીમાં પ૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસેથી ટર્મ ફી અને શૈક્ષણિક ફીના નામે રૂા.૮૦ લાખ વસૂલ્યા હતા જે રકમ વાલીઓને પરત કરવાનો આદેશ કર્યો છે. વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશનના સભ્યોએ એફઆરસીના નિર્ણયને આવકાર્યો હતો. એફઆરસી કમિટીએ જણાવ્યું હતું કે, હજુ ત્રણથી ચાર સ્કૂલોની ફરિયાદ આવી છે. આગામી દિવસોમાં તેમની સુનાવણી હાથ ધરવામાં આવશે.

ટિકિટ મળતાં એફઆરસીના સભ્યપદેથી રાજીનામું

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૮માં ભાજપના ઉમેદવાર તરીકે કેયુર રોકડિયાને ટિકિટ મળતાં એફઆરસી કમિટીના સભ્યપદેથી તેઓએ રાજીનામું આપી દીધું હતું. ભાજપ દ્વારા એક વ્યક્તિ એક પદનો હોદ્દો નિયમ બનાવાયો છે ત્યારે સરકાર દ્વારા બનાવાયેલા ફી નિયમન સમિતિમાંથી ટિકિટ મળતાં રાજીનામું આપ્યું હતું.