દિલ્હી-

કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન હોવાનું એક સર્વેમાં જાહેર કરાયું હતું. બીજા ક્રમે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું અને ત્રીજા ક્રમે આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડીનું નામ આવ્યું હતું. ભાજપ સાથેની અથડામણ અને હિંસક બનાવો છતાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી મુખ્ય પ્રધાન તરીકેની પોતાની કામગીરીમાં ચોથા ક્રમે આવ્યા હતા. 

અત્રે એ યાદ કરવા જેવું છે કે સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાનપદે રહેવાનો વિક્રમ પણ ઓરિસાના નવીન પટનાઇકનો છે, પટનાઇકને સર્વેમાં આશરે ૭૯ ટકા (૭૮.૮૧) લોકોએ મત આપ્યો હતો. બીજી બાજુ ભાજપ શાસિત ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંઘ રાવતને માત્ર ૦.૪૧ ટકા મતો મળ્યા હતા. એટલે કે રાવત દેશમાં સૌથી ખરાબ વહીવટકર્તા છે એમ કહી શકાય.

એક સર્વેમાં આ પરિણામો પ્રગટ થયા હતા. ઓરિસામાં ૬૮.૫૭ ટકા લોકો પટનાઇકના કામથી ખુશ હતા. ૨૦ ટકા લોકો ઠીક ઠીક ખુશ હતા અને દસ ટકા લોકો નારાજ હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળેલા ૭૭ ટકા મતોમાં ૫૭ ટકા લોકો ખૂબ સંતુષ્ટ હતા, ૩૧ ટકા લોકો ઠીક ઠીક સંતુષ્ટ હતા અને ૧૧ ટકા લોકો નારાજ હતા.

ત્રીજા ક્રમે આવનારા વાઇએસઆ કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે આવ્યા હતા. તેમને ૬૬.૮૩ ટકા મતો મળ્યા હતા. રાજ્યના માત્ર ૧૬ ટકા લોકો એમના કામથી નારાજ હતા. બાકીના બધા સંતુષ્ટ હતા. ભાજપ શાસિત ઉત્તરાખંડના મુખ્ય પ્રદાન ત્રિવેન્દ્ર સિંઘ રાવત છેક ૨૩મા સ્થાન પર હતા. રાજ્યના માત્ર ૨૬ ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ હતા. ૪૯ ટકા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં રાવત માટે નારાજી અને નાખુશી વ્યક્ત કરી હતી. બાકીનાએ કહ્યું કે રાવત ઠીક છે. બીજા જે બે મુખ્ય પ્રધાનોને ખરાબનું રેંકિંગ મળ્યું છે એ બંને પંજાબ અને હરિયાણાના છે.

અત્રે એ નોંધનીય છે કે દિલ્હીના સીમાડે છેલ્લા પચાસ દિવસથી આંદોલન કરી રહેલા મોટા ભાગના કહેવાતા ખેડૂતો પણ પંજાબ અને હરિયાણાના છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર ૨૩ ટકા લોકો ખુશ હતા જ્યારે પંજાબમાં કેપ્ટન અમરીન્દર સિંઘના કામથી ૨૨ ટકા લોકો ખુશ હતા.