વડોદરા-

રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન સાથે શેરી ગરબાને પરવાનગી આપવામાં આવશે તેવી છેલ્લાં કેટલાંક સમયથી ચાલતી અટકળો વચ્ચે જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ નવરાત્રિમાં કોઈપણ ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકયો છે. પરંતુ બીજી તરફ પેટાચૂંટણીમાં રેલીઓ અને સભા યોજાશે જેને લઈને લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. 

કોરોનાની મહામારીમાં વડોદરા સહિત રાજ્યના તમામ મોટા ગરબાના આયોજકોએ ગરબા નહીં યોજવાની અગાઉ જ જાહેરાત કરી છે. પરંતુ ગાઈડલાઈન સાથે પ૦ કે ૧૦૦ ખેલૈયાઓની મર્યાદામાં પરંપરાગત શેરી ગરબાને મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. આ સંદર્ભે કેટલાક માઈમંદિરોમાં પરંપરાગત ગરબા માટે નિયમો સાથે મંજૂરી આપવામાં આવે તેવી માગ પણ કેટલાક સંગઠનો દ્વારા કરવામાં આવી હતી.

જાે કે, આજે રાજ્ય સરકારે નવરાત્રિના ગરબા, દશેરા, દિવાળી, બેસતાવર્ષ, સ્નેહમિલન, શરદપૂનમની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો અમલ તા.૧૬મી ઓક્ટોબરથી કરવાનો છે. જેમાં નવરાત્રિમાં રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. માત્ર ખૂલ્લી જગ્યાએ ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે. પરંતુ મૂર્તિના ચરણસ્પર્શ કે પ્રસાદનું વિતરણ કરી શકાય નહીં.

આ ઉપરાંત મેળા, રેલી, રામલીલા, રાવણદહન વગેરેના કાર્યક્રમો પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ બીજી તરફ પેટાચૂંટણીમાં રેલીઓ, સભા યોજાશે તો શું તેનાથી સંક્રમણ વધશે નહીં તેમ જણાવી અનેક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને પેટાચૂંટણીમાં યોજાનારી સભા અને સરઘસો પર પણ પ્રતિબંધ મૂકવો જાેઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો.

પાલિકા ફટાકડાના સ્ટોલ માટે જાહેર હરાજીથી પ્લોટ આપશે

વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વિસ્તારોમાં આવેલા ટીપી સ્કીમના પ્લોટ હંગામી ધોરણે દિવાળીના તહેવારને અનુલક્ષીને ફટાકડાના સ્ટોલ માટે જાહેર હરાજીથી ફાળવશે. હરાજીમાં ભાગ લેવા માટે નક્કી કરેલ ડિપોઝિટ સાથે તા.૧૫મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે. પાલિકાના આવા ૧૯ પ્લોટ પર ફટાકડાના સ્ટોલ ઊભા કરી શકાશે.