ગાંધીનગર-

'તાઉ તે' વાવાઝોડાના પગલે વીજતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે 'તાઉતે' વાવાઝોડાના કારણે રાજ્યની કુલ 81 કોવિડ હોસ્પિટલ, 16 જેટલી અન્ય હોસ્પિટલ તથા 19 જેટલા ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનો વીજ પુરવઠો ખોરવાતા પાવર બેકઅપ પર કાર્યરત કરવામાં આવી હતી. જેમાંથી 29 કોવિડ હોસ્પિટલ, 12 અન્ય હોસ્પિટલ તેમજ 6 ઓક્સિજન યુનિટનો વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જ્યારે હાલ પાવર બેકઅપ પર કાર્યરત 52 જેટલી કોવિડ હોસ્પિટલ્સ, 4 અન્ય હોસ્પિટલ્સ તેમજ 13 ઓક્સિજન પ્લાન્ટનો વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.જયારે તાઉ'તે વાવાઝોડું પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠાના અમરેલી, ગિર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પહોંચી ગયું છે અને આ વિસ્તારોમાં જ્યાં પણ અસર થઈ છે, ત્યાં રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જયારે હાલ કોવિડની પરિસ્થિતિમાં રાજ્યની તમામ 1400 જેટલી કોવિડ હોસ્પિટલો તેમજ અન્ય નોન કોવિડ હોસ્પિટલોમાં પૂરતા પાવર બેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ છતાં, વાવાઝોડાના કારણે જે કોઈ હોસ્પિટલોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી, તેમાંથી અનેક જગ્યાએ ઊર્જા વિભાગ દ્વારા તાત્કાલિક રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરી વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અસરગસ્ત હોસ્પિટલોમાં અમદાવાદની 3 પૈકી 1, અમરેલીની 21 પૈકી 2, અરવલ્લીની 1, ભાવનગરની 11 પૈકી 1, દેવભૂમિ દ્વારકાની 1, ગિરસોમનાથની 9 પૈકી 1, જુનાગઢની 4 પૈકી 2, મોરબીની 6, પંચમહાલની 2, રાજકોટની 8 પૈકી 3, સાબરકાંઠાની 1, જ્યારે સુરતની 13 પૈકી 8 કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.અને આ જ રીતે, મોરબીની 11 તથા અમદાવાદની 1 નોન-કોવિડ હોસ્પિટલમાં વીજપુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે જુનાગઢની 3 તેમજ સુરતની 1 હોસ્પિટલ હાલ પાવર બેકઅપ પર કાર્યરત છે, જેનો વીજપુરવઠો ઝડપથી પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી હતી. આ ઉપરાંત રાજ્યના ઓક્સિજન પ્લાન્ટના વીજ પુરવઠાની વિગતો આપતા સુનયના તોમરે ઉમેર્યું કે રાજકોટના 6 પૈકી 4 તથા સુરતના 3માંથી 2 ઓક્સિજન રિફીલિંગ પ્લાન્ટનો વીજપુરવઠો પૂર્વવત કરાયો છે. જ્યારે ભાવનગરના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સહિત કુલ 9 પ્લાન્ટ તથા અમરેલીનો એક રિફીલિંગ પ્લાન્ટ હાલ પાવર બેકઅપ પર ચાલી રહ્યો છે. જેને ટૂંક સમયમાં ફરીથી વીજ પુરવઠા પર કાર્યરત કરવામાં આવશે.