ભરૂચ,તા.૨૯

 ભરૂચમાં આવેલી મદદનીશ શ્રમ આયુક્ત કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા પટાવાળા દ્વારા કચેરીમાં રજિસ્ટર્ડ થયેલા ૪૫થી વધુ લેબર કોન્ટ્રાક્ટરોની રજિસ્ટ્રેશન ફી પેટે લાખો રૂપિયા કચેરીની તિજાેરીમાં જમા ન કરાવી બારોબાર હયગય કરી જતા ખળભળાટ મચી ગયો છે. ભરૂચ નગરીની ચારેય દિશાઓમાં સેંકડો નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. અંકલેશ્વર, દહેજ, વાગરા, વિલાયત, પાલેજ, ઝઘડિયા, વાલિયા, પાનોલી, ભરૂચ સહિત નાની મોટી જી.આઈ.ડી.સી.ઓમાં હજારો લોકો કંપનીઓમાં રોજમદાર તરીકે કામ કરે છે. કંપની સંચાલકો કંપનીમાં ચાલતા વિવિધ કામો માટે કોન્ટ્રાકટરોને લેબર કોન્ટ્રાકટ આપે છે. જેમાં વિવિધ કોન્ટ્રાકટરો લેબર સપ્લાય કરે છે પણ નાના કોન્ટ્રાકટરો લેબર સપ્લાય પર ધ્યાન કેન્દ્રિત કરી લેબર સપ્લાય માટે લેબર કમિશનર કચેરીમાં રજિસ્ટ્રેશન માટે લેબર કન્સલ્ટન્ટ પર ર્નિભર બને છે. લેબર કન્સલ્ટન્સીઓ સરકારી કચેરીઓના કામોથી વાકેફ હોય તે પ્રમાણે કચેરીઓમાં નાના મોટાં નાણાંના વ્યવહાર ચૂકવી લેબર લાઇસન્સ સહિતની કામગીરી કરાવતા હોય છે. ત્યારે ભરૂચની બહુમાળી બિલ્ડીંગમાં આવેલ ભરૂચ લેબર કમિશનર કચેરીમાં અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે કચેરીમાં બિપિન વસાવા નામનો પટાવાળો છેલ્લા ૭ વર્ષથી કોન્ટ્રાકટ પર રહી કામગીરી કરતો હતો. મીઠાબોલો બિપિન પટાવાળો કોન્ટ્રાકટરો અને કન્સલ્ટન્ટ સાથે સારા સંપર્કમા આવતા રજિસ્ટ્રેશનના ચલણો પણ જાતે ભરી આવતો હતો. દોડધામની સામાન્ય ફી મેળવવા માટે દોડતો પટાવાળાને કન્સલ્ટન્ટો અને કોન્ટ્રાકટરો સમયમાં અભાવે હજારો લાખો રૂપિયા હાથમાં આપી ચલણ ભરવા મોકલી આપતાં હતા. એક લેબરના રૂ.૪૫૦ કાયદેસર રજિસ્ટ્રેશનના અને લેબર કમિશનર જયેશ મકવાણાને લાંચ આપવાના નામે રૂ.૧૦૦ પટાવાળો ઉઘરાવી લેતો હતો. રોજના સેંકડો લેબરના રજિસ્ટ્રેશન અને તેના નામે ઉઘરાવી લેતો રૂપિયાથી સંતોષ ન થતાં બીપીને ઠગગીરી શરૂ કરી હતી. જેમાં કન્સલ્ટન્ટ અને લેબર કોન્ટ્રાકટરો દ્વારા આપવામાં આવેલ લાખો રૂપિયાના ચલણ ભરવા બેંકમાં જતો અને ચલણ પર બેંકના સિક્કા જાતે જ મારી લેતો અને લેબર કચેરીમાં આપી રજિસ્ટ્રેશન કરાવી લેતો હતો. જાેકે એકવર્ષ બાદ પણ લેબર કોન્ટ્રાકટરોના ચલણના રૂપિયા ટ્રેઝરી ખાતામાં જમા ન થયા હોવાનું જાણવા મળતા લેબર કમિશનર કચેરીએ કોન્ટ્રાકટરોને નોટિસો મોકલી હતી. જ્યારે નોટિસ મળતા હાંફળા ફાંફળા થયેલ લેબર કોન્ટ્રાકટરો લેબર કચેરીએ દોડી આવતા પોતે એક પટાવાળાના હાથે છેતરાયા હોવાનો અહેસાસ થતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારની સિસ્ટમનો ભોગ લેબર કોન્ટ્રાકટરો બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં ઇન્ડસ્ટ્રીઝમાં ચાર લાખ કર્મચારી લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. એક હજારથી વધુ લેબર કોન્ટ્રાક્ટરો ભરૂચની જી.આઈ.ડી.સી.ઓમાં તેમજ પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઝમાં લેબર સપ્લાય કરે છે. ત્યારે સમજી શકાય છે કે પટાવાળા દ્વારા થયેલ કૌભાંડમાં હજુ કેટલા તથ્યો બહાર આવે છે. લેબર કમિશનર કચેરીમાં ચાલતી ગોબાચારી તેમજ ઠગ પટાવાળા સાથે સંકળાયેલ લોકોના નામ જાહેર કરી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મારી જાણ બહાર સીધો જ પટાવાળા સાથે રૂપિયાનો વહીવટ કર્યો ઃ લેબર કમિશનર

લેબર કમિશનર જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે લેબર કોન્ટ્રાકટરોએ અને કન્સલ્ટન્ટોએ મારી જાણ બહાર સીધો જ પટાવાળા સાથે રૂપિયાનો વહીવટ કર્યો છે, જેનાથી હું અજાણ છું. પણ સરકારી કામકાજમાં રુકાવટ ન પડે તે માટે બેંકમાં ચલણ થકી રૂપિયા જમા થશે તો જ હું લેબર કોન્ટ્રાકટરોના લાઇસન્સ રદ નહિ કરું નહિ તો મારે રદ કરવા પડશે.

સમયસર ફી નહિ ભરે તો લેબર કોન્ટ્રાકટરોના લાઇસન્સ રદ થઈ શકે છે

એક બે વર્ષ પૂર્વેના ચલણ રૂપિયા ટ્રેઝરી ઓફિસમાં જમા થયાની જાણકારી મળતા લેબર કમિશ્નરે ૪૫થી વધુ લેબર કોન્ટ્રાકટરોને નોટિસ ફટકારી છે. જાે સમયસર ફી નહિ ભરે તો લેબર કોન્ટ્રાકટરોના લાઇસન્સ રદ થઈ શકે છે. જેના કારણે હજારો કામદારો બેરોજગાર બની શકે છે. જેથી આ બાબતે પટાવાળા બિપિન વસાવા અને સંડોવાયેલા તમામ પાસેથી રૂપિયા પાછા મળે અને તેમના રજિસ્ટ્રેશન કેન્સલ ન થાય તે માટે લેબર કોન્ટ્રાકટરો અને કન્સલ્ટન્ટો દોડધામ કરી રહ્યા છે.