આણંદ

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને, અનેક ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન અપનાવવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાતના આણંદના શૈક્ષણિક હબ તરીકે જાણીતા પેટલાદના  ચાંગામાં આજથી સ્વૈચ્છીક લોકડાઉન અપનાવવામાં આવ્યુ છે. આણંદ જિલ્લામાં કોરોનાના કેસ વધતા, ચાંગા પંચાયત દ્વારા સ્વૈચ્છીક આંશિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચાંગામાં આજથી આગામી 13મી એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. ચાંગા પંચાયત દ્વારા લાગુ કરાયેલ લોકડાઉનમાં સવારે છ વાગ્યાથી સવારના દસ વાગ્યા સુધી અને સાંજે પાંચ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવામાં આવશે. આ સિવાયના સમયગાળામાં બજાર સહીત ગામમાં બધુ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ચાંગામાં જ કોરોનાના 16 જેટલા એકટીવ કેસ આવ્યા છે. તો આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસ રોજબરોજ વધી રહ્યાં છે. જેને લઈને, સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે.