અમદાવાદ-

દેશમાં ઈંધણના ભાવમાં રાહતના કોઈ અણસાર નથી અને વિપરીત પણે એકાંતરે ભાવ વધારાનો ડામ લાગતો હોય તેમ આજે વધુ એક વખત ભાવ વધી ગયા હતા.પેટ્રોલમાં 22 પૈસા તથા ડીઝલમાં 27 પૈસાનો ભાવ વધારો થયો હતો.રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 90 રૂપિયાના લેવલને વટાવી જ ગયા હતા આજે પેટ્રોલ 24 પૈસા વધીને 90.24 થયુ હતું. જયારે ડીઝલનો ભાવ 27 પૈસા વધીને રૂા.90.58 થયો હતો. વિશ્વબજારમાં ક્રુડતેલની તેજી તથા ચલણ માર્કેટમાં ડોલરની મજબુતાઈથી પેટ્રોલ ડીઝલ સતત મોંઘા થઈ ગયા છે.વિશ્ર્વના અનેક દેશોમાં કોરોના સંક્રમણ ઘટવા સાથે આર્થિક ગતિવિધી તેજ બનવા લાગતા ક્રુડ તેલની ડીમાંડમાં વૃધ્ધિ છે અને તેને પગલે ભાવ ભડકે બળતા રહ્યા છે.

ભારતમાં પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે સરકારે ભાવો સ્થિર રાખી દીધા હતા. અને હવે એક પછી એક ભાવ વધારાનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. મહાનગર મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100 થી નજીક પહોંચી ગયો હોય તેમ 99.70 થયો હતો.ડીઝલનો ભાવ 91.57 થયો હતો.મધ્યપ્રદેશનાં ભોપાલમાં પેટ્રોલના, ભાવ રૂા.100 ને વટાવીને 101.52 થયો હતો. ડીઝલના ભાવ 92.77 હતો. રાજસ્થાનનાં ગંગાનગર જેવા શહેરોમાં સર્વોચ્ચ ભાવ છે. પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવ સામે લોક આક્રોશ તથા ટ્રાન્સપોર્ટ સહીતના ક્ષેત્રો-ઉદ્યોગોમાં ઉહાપોહ છતાં સરકાર કોઈ રાહતના મૂડમાં નથી. દેશમાં પેટ્રોલ-ડીઝલના મુળ ભાવ કરતાં પણ તેના પરનું ટેકસ ભારણ ઘણુ વધુ છે.ભારતમાં છેલ્લા કેટલાંક દિવસોથી એકાંતરા ભાવ વધારાનો ડામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા 14 દિવસમાં પેટ્રોલમાં રૂા.3.09 તથા ડીઝલમાં રૂા.3.56 નો ભાવ વધારો થયો છે.