આણંદ, તા.૬  

પ્રવર્તમાન કોરોના સંક્રમણમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનું ઓક્સિજન લેવલ ઘટી જાય છે ત્યારે આપણે ઓકિસજન ટેન્ક ઉભી કરવાને બદલે વધુને વધુ હરિયાળા વૃક્ષોના વાવેતરથી કુદરતી ઓકિસ્જનના પ્રાણવાયુ વધારતા જવું પડશે તેમ કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહજી પરમારે કહ્યું હતું. આજે આણંદ નગરપાલિકાના ટી.પી. સ્કીમ નં.૧૦ના પ્લોટ નં. ૨૭૦ અને ૨૭૫ ખાતે જિલ્લાના કક્ષાના ૭૧મા વન મહોત્સવ નિમિત્તે છોડને રોપીને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે પ્રારંભ કરાવ્યો હતો. મંત્રી પરમારે રાજ્યના વિકાસને ઊંચાઇએ લઇ જવા માટે પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદૂષણમુકત ગુજરાતની કલ્પના આપણે પાર પાડવાની છે, તેમ જણાવ્યું હતું. મંત્રીએ આણંદ જિલ્લામાં વન વિભાગ દ્વારા ૩૧ લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે ત્યારે વધુને વધુ તેનું વાવેતર કરી ગ્રીન ગુજરાત-કલીન ગુજરાતની વિભાવનાને સાકાર કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રૂદેલ અને ભાદરણિયા તેમજ આણંદ તાલુકાના ખેરડા ગ્રામ પંચાયતના નૂતન ભવનની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારની સાથે સંસદસભ્ય મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય મયુરભાઇ રાવલ સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ પણ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સંસદસભ્ય મિતેષભાઇ પટેલે કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારને સ્મૃતિ ચિહન આપી સન્માનિત કર્યા હતા. આણંદના નગરપાલિકાના ટી.પી. સ્કીમ નં. ૧૦ના આ બંને પ્લોટમાં ૫૦૦ નક્ષત્ર આધારિત વિવિધ વૃક્ષોનું વાવેતર કરીને ઉછેર કરવામાં આવનાર છે. આ પ્રસંગે ખંભાતના ધારાસભ્ય મયુરભાઇ રાવલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ કાંતિભાઇ ચાવડા, જિલ્લા કલેકટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એન. વાસ્તવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એમ.ખાંટ, પૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલ, જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલ, આણંદના નાયબ વન સંરક્ષક બી.આર. પરમાર, રૂદેલ, ભાદરણિયા અને ખેરડા ગ્રામ પંચાયતના સરપંચઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.