ગાંધીનગર

રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ થઈ ગયા હતા, જે અનલૉકની પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ ગયા હતા. ત્યારે સરકારે 100 મહેમાનની મંજૂરી આપી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોના ધીમો પડી ગયો છે, રોજેરોજ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સરકાર ઉત્તરાયણ બાદ એટલે કે 15 જાન્યુઆરી પછી કમૂરતાં ઊતરતાં લગ્નમાં 100ની જગ્યાએ 200 મહેમાનની મંજૂરી આપે એવી શક્યતા છે. બીજી બાજુ, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અને રાજકીય તાયફાઓમાં ભીડ ભેગી થતી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ સ્થિતિમાં સરકાર લગ્નમાં મહેમાનોની સંખ્યા ડબલ કરી શકે છે. હાલમાં રાજ્યમાં ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી અમલમાં છે, એમાં ફેરફાર કરીને રાત્રે 12 વાગ્યાથી કર્ફ્યૂ લાદી શકે છે. 

22 માર્ચે જ્યારે જનતા કર્ફ્યૂ લાગુ થયો હતો, એ પહેલાં જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે એને 21 સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી. 

અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂં લદાતાં 1700 લગ્ન પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું હતું. કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતાં વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો હતો. અમદાવાદમાં આ સમયે કુલ 1700 લગ્નના બુકિંગ થયા હતા, જે રદ કરવા પડ્યા હતા. માત્ર એટલું જ નહીં, લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા, જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.