આણંદ : કોરોના મહામારી વચ્ચે ચરોતરમાં રવિ પાકના વાવેતરનના આંકડાઓ બહાર આવ્યાં છે. ચરોતરની ફળદ્રુપ જમીનમાં હાલમાં ઠંડીની સીઝનમાં ખેડૂતો રવિ પાકનું વાવેતર કરવામાં વ્યસ્ત બની ગયાં છે. ૨૦ નવેમ્બરની સ્થિતિએ હાલ આણંદ જિલ્લામાં કુલ ૫૧,૧૭૨ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ આણંદ તાલુકામાં કુલ ૧૦,૫૩૪ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. જાેકે, સૌથી ઓછું સોજિત્રા તાલુકામાં ફક્ત ૧૦૨૦ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. હાલ ઘઉં, રાઈ, તમાકુના પાકનું વાવેતર કરાયું છે. વરસાદ પૂરતાં પ્રમાણમાં પડવાથી સારો પાક પાકવાની આશાએ રવિ પાકનું વાવેતર વધશે, એવું કહેવાઈ રહ્યું છે. આણંદ જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષની તાલુકા મુજબ સરેરાશ રવિ પાકના વાવેતરને જાેવામાં આવે તો કુલ ૧,૬૮,૨૯૩ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ ઠંડી પડતાં આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૫૧,૧૭૨ હેક્ટર જમીનમાં કરવામાં આવેલાં વાવેતરમાં તમાકુ ૨૭,૦૫૭, ઘઉં ૩૯૮૧, શાકભાજી ૧૦,૨૪૨ અને પશુપાલન માટે ઘાસચારાનું ૮,૧૯૬ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે.