વડોદરા, તા.૪ 

બોગસ ડોકયુમેન્ટના આધારે ગુજરાત બહારના વિદ્યાર્થીને ગુજરાતનો હોવાનું દર્શાવીને ટીમમાં ઘૂસાડવાના પ્રયાસના પ્રકરણને લઈને સ્થાનિક ક્રિકેટ ક્ષેત્રે ધરતીકંપ સર્જાયો છે. જા કે, બીસીએ સત્તાધીશો દ્વારા હજુ પ્રોબેબલ્સની યાદી જાહેર કરાઈ નથી ત્યારે હાલ આ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરીને ડોકયુમેન્ટના વેરિફિકેશન અને સમગ્ર વિગતો એપેક્ષ કાઉન્સસિલર સમક્ષ રજૂ કરાયા બાદ નિર્ણય લેવાશે તેમ બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું.

બીસીએમાં વિવાદોનો સિલસિલો યથાવત્‌ રહ્યો છે. બીસીએમાં એક બિનગુજરાતી કિશોરે ગુજરાતનું હોવાનું દર્શાવતાં દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી બીસીએમાં એનરોલ કરવામાં આવ્યું હતું. અન્ડર-૧૬ રમવા વિદ્યાર્થીએ દસ્તાવેજા રજૂ કર્યા હતા જેમાં બોનટેસ્ટ કરાતાં તે ૧૬ વર્ષ કરતાં વધુ ઉંમરનો હોવાનું જણાયં હતું, જેથી પ્રાથમિક રીતે વિદ્યાર્થીની ઉંમર અંગે જાગેલી શંકાના આધારે બીસીએ દ્વારા વિદ્યાર્થીએ રજૂ કરેલ શાળા છોડયાનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ વગેરેનું ક્રોસ વેરિફિકેશન હાથ ધર્યું હતું જેમાં જાતપાસ બાદ આ પુરાવાઓ બોગસ હોવાનું પ્રકાશમાં આવતાં બીસીએના સભ્યોએ ગુજરાત બહારનાને ટીમમાં ઘૂસાડવાના આ પ્રકરણમાં દસ્તાવેજા સહિત કાગળો બીસીએ સત્તાધીશોના હાથમાં સોંપી દીધા હતા. બોગસ દસ્તાવેજાના આધારે બહારના વિદ્યાર્થીને ટીમમાં સમાવવાના આ પ્રકરણને લઈને સ્થાનિક ક્રિકેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો.

બીસીએના સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, ગત વરસે જે નીચેના એજ ગ્રૂપમાં હતા અને જેમની ઉંમર જે તે એજ ગ્રૂપ ક્રોસ કરી છે તેમના નામો ઉપરના ગ્રૂપમાં આવે છે. પરંતુ આ સંદર્ભે શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તબક્કે રજૂ કરેલ પુરાવાઓ બોગસ જણાતાં હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બર્થ સર્ટિફિકેટ સહિતના વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અને આ સમગ્ર મામલો એપેક્ષ કાઉન્સિલર સમક્ષ રજૂ કરાશે અને ત્યાર પછી એપેક્ષ કાઉન્સિલરના નિર્ણયના આધારે આગળની કાર્યવાહી કરાશે.

વર્ષ ૨૦૧૫-૧૬મા સ્કૂલ ટુર્નામેન્ટમાં પણ બોગસ સર્ટિફિકેટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો

બીસીએમાં આ પૂર્વે વર્ષ ૨૦૧૫-૧૬માં પણ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિદ્યાકુંજ સ્કૂલના ૧૬ પ્લેયરોની ટીમના પ્લેયરો સંદર્ભે ફરિયાદ થતાં બીસીએ સત્તાધીશો દ્વારા જે તે સમયે ત્રણ સભ્યોની ટીમ દ્વારા શાળામાં જઈને તપાસ કરી હતી જેમાં ૧૬ પ્લે.યરો પૈકી ૧૩ પ્લેયરોના બોનોફાઈટ સર્ટિફિકેટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. જા કે, તે સમયે આ સમગ્ર પ્રકરણને દબાવી દેવામાં આવ્યું હતું અને આ ૧૩માંથી બે જણા હજુ પણ બીસીએની વિવિધ ટુર્નામેન્ટ રમી રહ્યા હોવાનું જાણવા મળે છે. હવે નવો કેસ સામે આવ્યો છે ત્યારે બીસીએ શું પગલાં લે છે તે જાવાનું રહે છે.

અન્ય આવા કોઈ ખેલાડી છે કે કેમ? તેની તપાસ શરૂ કરાઈ

બરોડા ક્રિકેટ એસોસીએશનમાં અન્ડર-૧૪થી ૨૩ વચ્ચે અને સ્કૂલ ગેમમાં ૧૦થી વધુ છોકરાઓ પ્રોબેબ્લસમાં ઘૂસાડવાની માહિતીના આધારે બરોડા ક્રિકેટ એસોસીએશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ પૈકી કેટલાક વાસણા-ભાયલી રોડ પર મકાન ભાડે રાખીને રહેતા હોવાનું અને આ ખેલમાં ક્રિકેટ સાથે સંકળાયેલા કેટલાક દિગ્ગજા હોવાનું કહેવાય છે.

ઓએનજીસી કનેકશનની ચર્ચા

બોગસ ડોકયુમેન્ટના આધારે વિદ્યાર્થીને બીસીએની ટીમમાં સમાવવા સંદર્ભે ઉચ્ચ અધિકારીના ઈશારે ખેલ કરાયાની અને આ પ્રકરણમાં ઓએનજીસી કનેકશન હોવાની ચર્ચા બીસીએ વર્તુળોમાં થઈ રહી છે.