ભરૂચ, કોરોના કહેરની બીજી લહેર ઉભી થઇ હોય કોરોના સંક્રમણના કેસો દિવસેને દિવસે બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા છે. એક તરફ કોરોના વેકસીનેશનના કાર્યક્રમ ઉપર સરકાર વધુ જાેર લગાવી રહી છે. રોજેરોજ સેંકડો લોકોને વેકસીનનો ડોઝ અપાઈ રહ્યો છે. વેકસીન લીધા બાદ જાણે અમૃત્વનું વરદાન મળી ગયું હોય તેમ કેટલાય લોકો બિન્દાસપણે ફરતા હોય છે. વાહન ચાલકો, દુકાનદારો, ગ્રાહક માસ્ક પહેરી કોરોના જેવા ચેપી રોગ ફેલાવતા અટકાવવા પ્રયાસ કરી શકે છે. ફરજિયાત માસ્ક પહેરે તે માટે તંત્ર આખરે જાગ્યું છે, જેના ભાગરૂપે શહેરની દુકાનો ઉપર ફરીને માસ્ક વગરના લોકોને તેમજ દુકાનદારો ઉપર દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છે. માસ્ક વગર ફરતાં લોકો માટે સઘન ચેકીંગ કરી પોલીસે દંડાત્મક કાર્યવાહી આરંભી છે. ત્યારે પ્રજામાં પ્રશ્ન ઉઠવા પામ્યા છે કે, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે નેતાઓ સેંકડો લોકોને લઈ રેલીઓ કાઢી રહ્યા હતા, જેમાં સોસિયલ ડિસ્ટન્સ અને મોઢા ઉપર માસ્કના કાયદાનું છડે ચોક ઉલ્લંઘન કરી રહ્યા હતા. હજારોની સંખ્યામાં જાહેર સભાઓમાં જનમેદની ઉમટી પડી હતી, ત્યારે કાયદાના રક્ષકો પોતે જવાબદારી ભૂલી નેતાઓને રેલીઓ અને સભાઓ કરવા માટે પરવાનગી આપી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી આપ્યો હતો. જ્યારે આજે કોરોના વકરો છે ત્યારે આ પોલીસ તંત્ર મોટર વાહનમાં એકલ દોકલ પસાર થતાં લોકોને માસ્ક નહિ પહેરવા કે સોસિયલ ડિસ્ટન્સનું પાલન નહિ કરવા ઉપર દંડની પાવતી પધરાવી જાણે ઉમદા કાર્ય કરી રહ્યા હોય તેમ સાબિત કરવાની જહેમત કરી રહ્યા છે. ખરેખર તો આ કોરોનાકાળ દરમિયાન મોટી રેલીઓ અને સભાઓ કરવા નીકળેલ લોકોને તે સમયે તંત્રએ કાયદાનો ખોફ બતાવ્યો હોતે તો કદાચ આજે કોરોના સંક્રમિતોનો આંકડો ઓછો થવા પામતે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા નીકળ્યું હોય તેમ નેતાઓ અને તેમના કાર્યકરોને છૂટ આપી આમ પ્રજાના ગજવા ઉપર નજર નાખી તંત્ર બેઠું છે તેમ લાગી રહ્યું છે.