દુબઇ-

IPLની બીજી જ મેચ રોમાંચક રહી. રવિવારે દુબઈમાં રમવામાં આવેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને સુપર ઓવરમાં હરાવી દીધી હતી. મેચની 19મી ઓવરમાં મયંક અગ્રવાલના એક રનને એમ્પાયર નીતિન મેનને શોર્ટ જાહેર કરી દીધો હતો. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે એમ્પાયર નીતિન મેનનના આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. મોહમ્મદ કેફ સહિત અન્ય ક્રિકેટરોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ અંગે કિંગ્સ ઈલેવન પંજાબે મેચ રેફરીને અપીલ પણ કરી છે.

કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે IPL 2020ની બીજી મેચ ટાઇ પડી. એ પછી દિલ્હીએ સુપર ઓવરમાં પંજાબને હરાવ્યું. અગાઉ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન કર્યા. જવાબમાં પંજાબે પણ 8 વિકેટે 157 રન જ કર્યા હતા. 3 બોલમાં 1 રનની જરૂર હતી, ક્રિઝ પર સેટ બેટ્સમેન મયંક અગ્રવાલ (89 રન) ઊભો હતો, તેમ છતાં પંજાબ મેચ જીતી શક્યું નહીં. 

સામાન્યપણે આવી ઘટના બને ત્યારે બેટિંગ ટીમની ટીકા થતી હોય છે. જોકે આ મામલે પંજાબની ટીકાની જગ્યાએ સમગ્ર સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચા થઇ રહી છે એ શોર્ટ રનની, જે અમ્પાયરે પંજાબની ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન આપ્યો હતો. પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે ફોટો ટ્વીટ કરીને કહ્યું હતું કે "એ શોર્ટ રન નહોતો, અંતે આ નિર્ણય જ નિર્ણાયક સાબિત થયો." 


પ્રીતિ ઝિન્ટાએ પણ સેહવાગની વાતને સપોર્ટ કર્યો છે. પ્રીતિ ઝિન્ટાએ સેહવાગના ટ્વીટ પર રિટ્વીટ કરીને એમ્પાયરનો નિર્ણય ખોટો હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 19મી ઓવર કગીસો રબાડા નાખી રહ્યો હતો. ઓવરના ત્રીજા બોલે અગ્રવાલે એક્સ્ટ્રા કવર પર શોટ માર્યો, તે અને જોર્ડન બંને બે રન દોડ્યા, પરંતુ અમ્પાયર અનુસાર જોર્ડને શોર્ટ-રન લીધો હતો, એટલે કે તેણે રન પૂરો કર્યો નહોતો અને બેટ ક્રિઝની બહાર જ રહ્યું હતું. જોકે રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે એ શોર્ટ રન નહોતો. આવામાં જો અમ્પાયરે શોર્ટ રન ન આપ્યો હોત તો મેચ ટાઇ ન પડત. આમ, અમ્પાયરની ભૂલ પંજાબને ભારે પડી. સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે હું મેન ઓફ ધ મેચની પસંદ સાથે સહમત નથી. એ અમ્પાયર જેણે શોર્ટ રન આપ્યો, તેને મેન ઓફ ધ મેચ બનાવવાની જરૂર હતી. એ શોર્ટ રન નહોતો અને અંતે એ નિર્ણય જ નિર્ણાયક સાબિત થયો હતો.