દિલ્હીઃ

વિજય હઝારે ટ્રોફી ૨૦૨૧ના ફાઇનલ મેચમાં મુંબઈએ ઉત્તર પ્રદેશની ટીમ ને ૬ વિકેટે પરાજય આપી ટ્રોફી પર કબજો કર્યો. મુંબઈની ટીમે ચોથી વખત આ ડોમેસ્ટિક વનડે ટ્રોફી પોતાના નામે કરી છે. પૃથ્વી શોની આગેવાનીમાં ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઉત્તર પ્રદેશે માધવ કૌશિક ૧૫૮*ની મદદથી ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૧૨ રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ ૪૧.૩ ઓવરમાં ૪ વિકેટે ૩૧૫ રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ફાઇનલ મેચમાં ઉત્તર પ્રદેશના કેપ્ટન કરણ શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ટીમે ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૩૧૨ રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્‌સમેન માધવ કૌશિકે અણનમ ૧૫૮ રનની ઈનિંગ રમી જ્યારે બીજા ઓપનર સમર્થ સિંહે ૫૫ રન બનાવ્યા હતા. આ સિવાય અક્શદીપ નાથે પણ ૫૫ રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈએ આસાનીથી લક્ષ્ય હાસિલ કરી ફાઇનલ મુકાબલામાં જીત મેળવી હતી. 

મુંબઈને વિજેતા બનાવવામાં ટીમના બેટ્‌સમેન આદિત્ય તારેનું મહત્વનું યોગદાન રહ્યુ જેણે અણનમ સદી ફટકારી હતી. આ સિવાય કેપ્ટન પૃથ્વી શોએ ૩૯ બોલમાં ૭૩ રનની આક્રમક ઈનિંગ રમતા ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આદિત્ય તારેએ ૧૦૭ બોલમાં ૧૬ ચોગ્ગાની મદદથી અણનમ ૧૧૮ રન બનાવ્યા હતા. તે ટીમને જીત અપાવી પરત ફર્યો હતો. આ મેચમાં મુંબઈની ટીમ શરૂઆતથી યૂપી પર હાવી રહી અને ટીમની રનરેટ કોઈપણ સમયે નીચે ન આવી. પૃથ્વી શોએ આપેલી આક્રમક શરૂઆતનો ફાયદો અન્ય બેટ્‌સમેનોએ ઉઠાવ્યો હતો. મુંબઈએ ૩૧૩ રનનો ટાર્ગેટ માત્ર ૪૧.૪ ઓવરમાં જ હાસિલ કરી લીધો હતો. વિજય હઝારે ટ્રોફી ટૂર્નામેન્ટ ૨૦૨૧ની સીઝનમાં પૃથ્વી શોએ કુલ ૮ મેચ રમી. તેણે આઠ મેચની આઠ ઈનિંગમાં ૮૨૭ રન બનાવ્યા અને ત્રણ વખત અણનમ રહ્યો. આ સિઝનમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૨૨૭ રન અણનમ રહ્યો તો તેની એવરેજ ૧૬૫.૪૦ની રહી હતી. તેણે આ સીઝનમાં ૪ સદી અને એક અડધી સદી સાથે ૧૩૮.૨૯ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. પૃથ્વી શો વિજય હઝારે ટ્રોફીની એક સીઝનમાં ૮૦૦થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્‌સમેન બની ગયો છે.