મુંબઇ

લાંબા બ્રેક બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. લવબર્ડ્સની સાથે ફિલ્મના સેટ પર સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન પણ હાજર છે.  શુક્રવારે આલિયા, રણબીર અને નાગાર્જુન મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે.

આલિયા, રણબીર અને નાગાર્જુન ત્રણેય અલગ અલગ કારમાં સેટ પર પહોંચ્યા હતા. કારમાંથી ઉતરીને સીધા જ તૈયાર થવા માટે વેનિટી વેનમાં પહોંચી ગયા હતા. તસવીરોમાં જોઈ શકો છો કે રણબીર કપૂર બ્લેક શર્ટ અને કેપમાં જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, કાકા રાજીવ કપૂરના નિધનના ત્રણ દિવસ બાદ રણબીરે ફરીથી શૂટિંગ શરૂ કર્યું છે. થોડા દિવસ પહેલા જ રણબીર લવ રંજનની ફિલ્મનું શૂટિંગ કરીને દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. મુંબઈ આવ્યાના એકાબ-બે દિવસમાં જ કપૂર પરિવારમાં દુઃખદ અવસાન થયું હતું.


આલિયા ભટ્ટ પણ બહેનપણીઓ સાથે વેકેશન પતાવીને શૂટિંગમાં જોડાઈ છે. રાજીવ કપૂરનું અવસાન થયું એ દિવસે જ આલિયા માલદીવ્સથી પાછી આવી હતી. મુંબઈ આવીને તરત આલિયા રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી. આજે સેટ પર આલિયા સિમ્પલ લૂકમાં જોવા મળી હતી.

સાઉથ સ્ટાર નાગાર્જુન બ્લેક એન્ડ બ્લેક આઉટફિટમાં સેટ પર પહોંચ્યો હતો. કોરોના મહામારીના કારણે તેણે માસ્ક પણ પહેર્યું હતું.સેટ પરની નાગાર્જુનની વધુ એક તસવીર સામે આવી છે. તસવીરમાં જોઈ શકો છે કે નાગાર્જુનના કપડાં મેલા છે અને લોહી લાગેલું છે. આ પરથી લાગી રહ્યું છે કે, એક્ટરે ફિલ્મ માટે કોઈ એક્શન સીનનું શૂટિંગ કર્યું છે.

મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષથી અયાન મુખર્જીના નિર્દેશનમાં 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ ચાલી રહ્યું છે. જો કે, કોરોના મહામારીના કારણે છેલ્લા થોડા મહિનાઓથી શૂટિંગ ખોરવાયું હતું. હવે ફિલ્મોના શૂટિંગની છૂટ મળતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી દોડતી થઈ છે અને સાથે જ 'બ્રહ્માસ્ત્ર'નું બાકીનું શૂટિંગ શરૂ થયું છે. અગાઉ અયાન મુખર્જી ઘણીવાર ફિલ્મના લીડ એક્ટર્સ સાથે સ્ટુડિયોમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ કરતો જોવા મળ્યો હતો.