વડોદરા, તા.૧૩

ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની ર૬ બેઠકો પૈકી પ્રથમ યાદીમાં ૧પ ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી. આજે બીજી યાદીમાં મધ્ય ગુજરાતની બાકી રહેલી વડોદરા અને છોટાઉદેપુર બેઠક પરના ઉમેદવારોના નામની જાહેરાત કરાતાં વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં હતો. પરિણામે ટિકિટ મળવાના સ્વપ્ન જાેતાં તમામનાં મોઢાં વીલા પડી ગયા હતા. રંજનબેન ભટ્ટને રિપીટ કરાતાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ તેમના નિવાસસ્થાને જઈને એકબીજાનું મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરીને રંજનબેનને શુભેચ્છા પાઠવી હતી.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપની ટિકિટ માટે ૧૮ જણાએ દાવેદારી કરી હતી. જાે કે, અનેક નામો તેમજ બહારનો કોઈ ઉમેદવાર મુકાશે તેવી લાંબા સમયથી ચાલતી અટકળો અને ચર્ચાઓ વચ્ચે ભાજપે જાહેર કરેલી તેની પ્રથમ યાદીમાં ગુજરાતની કુલ ર૬ બેઠકો પૈકી વડોદરા અને છોટાઉદેપુર સહિત ૧૧ બેઠકો સિવાય ૧પ બેઠકો પર ઉમેદવારોનાં નામોની જાહેરાત કરાતાં વડોદરા બેઠક પર ઉમેદવાર કોણ? તેનું સસ્પેન્સ યથાવત્‌ રહ્યું હતું. જાે કે, આજે ભાજપે જાહેર કરેલી બીજી યાદીમાં સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરાતાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે છોટાઉદેપુર બેઠક પર વર્તમાન સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કાપીને જશુભાઈ રાઠવાને ટિકિટ આપી હતી. રંજનબેન ભટ્ટને રિપીટ કરાતાં ટિકિટનાં સ્વપ્ન જાેતાં તમામના મોઢાં વીલા પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા બેઠક સાથે વારાણસી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. નરેન્દ્ર મોદી વડોદરા બેઠક પરથી પ.૭૦ લાખ મતોથી વિજયી થયા હતા. જાે કે, તેમણે વડોદરા બેઠક પરથી રાજીનામું આપતાં પેટાચૂંટણીમાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે પેટાચૂંટણીમાં રંજનબેન ભટ્ટનો ૩.ર૯ લાખ મતે વિજય થયો હતો. ૨૦૧૯ની ચૂંટણીમાં રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ આપવામાં આવતાં તેમનો પ,૮૭,૮રપની વિક્રમી લીડ સાથે વિજય થયો હતો.

તમામ દાવેદારો એકબીજાને રાજકીય નિર્વસ્ત્ર કરવામાં વ્યસ્ત રહેતાં રંજનબેનને ફાયદો રહ્યો

વડોદરા લોકસભાની બેઠક પર ભાજપની ટિકિટ મેળવવા માટે ૧૮ જેટલાએ પોતાની દાવેદારી કરી હતી. જાે કે, વડોદરા ભાજપમાં જૂથબંધી નવી વાત નથી ત્યારે તમામ દાવેદારોની ટિકિટ મેળવવા માટે એકબીજાને રાજકીય નિર્વસ્ત્ર કરવામાં વ્યસ્ત રહેતાં તેનો ફાયદો સાંસદ રંજનબેન ભટ્ટને મળ્યો હતો.

પુરુષને શરમાવે તેવા સાંસદનું બિરૂદ રંજનબેન ભટ્ટને ફળ્યું

સાંસદ રંજનબેન ભટ્ટની કાર્યક્ષમતા એટલી બધી હતી કે અડધી રાત્રે કોઈપણ કાર્યકર્તા ફોન કરે તો ફોન ઉપાડીને મદદ માટે તૈયાર રહેતાં હતાં. એમની માટે પ્રદેશ નેતાગીરીનો શબ્દ કાયમ રહેતો હતો કે વડોદરાના મહિલા સાંસદ પુરુષોને શરમાવે તેવું કામ કરે છે જે બિરૂદ તેમને ફળી જતાં ત્રીજી વખત તેમના પર પસંદગી ઉતારાઈ છે.