વડોદરા-

રાષ્ટ્રીય સમાજ પક્ષ -આરએસપીના રાષ્ટ્રીય સચિવ પ્રસન્ન કુમાર વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમના દ્વારા પોતાનો પક્ષ વડોદરા મહાનગર પાલિકાની તમામ બેઠકો પાર ચૂંટણીમાં ઝંપલાવશે.એવી જાહેરાત પ્રદેશ અધ્યક્ષ અને પાલિકામાં આરએસપીના નેતા રાજેશ આયરેની ઉપસ્થિતિમાં કરાઈ હતી. આ પ્રસંગે તેઓની હાજરીમાં વડોદરાની ગરબા ગાયિકા વત્સલા પાટીલ આરએસપીમાં જોડાયા હતા. તેમજ તેઓએ આ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો.

વડોદરા શહેરના સક્રિય રાજકારણમાં છેલ્લા પાંચ વર્ષમાં આરએસપી એક મજબુત પરિબળ તરીકે ઉભરી આવ્યું છે પ્રજા હિતમાં સતત કામગીરીને કારણે પ્રજા અને કાર્યકરોનો વિશ્વાસ પણ વધ્યો છે ત્યારે આગામી મહાનગર, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીને લઇને આરએસપીની ઓફિસ ખાતે ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરવાને માટે ખાસ બેઠક મળી હતી. આ પ્રસંગે આરએસપીના રાષ્ટ્રિય સચિવ પ્રસન્ન કુમાર , પ્રદેશ અધ્યક્ષ રાજેશ આયરે તથા દક્ષિણ ગુજરાત આરએસપીના મંત્રી અંકિત મહેતા સહિત આગેવાનો હોદ્દેદારોની હાજરીમાં મળેલી બેઠકમાં ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી અને ચૂંટણીની રણનિતી નક્કી કરાઈ હતી.

જેમાં આગામી ચૂંટણીઓના સંદર્ભમાં આરએસપીના નેતાઓએ પ્રદેશ અધ્યક્ષ રાજેશ આયરેના શિરે જવાબદારી મૂકી હતી. જેઓએ આવનારી વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં તમામ ૧૯ વૉર્ડની ૭૬ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખી ભાજપ કોંગ્રેસને પડકાર આપશે એવો હુંકાર કરીને આ માટે રાજેશ આયરે અને તેમની ટીમ પ્રજા વચ્ચે રહી કામ કરતા યુવા અને અનુભવી લોકોને તક આપશે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે આરએસપીના અસંખ્ય કાર્યકરોની ઉપસ્થિતિમાં ગરબા ગાયક વત્સલા પાટીલે પણ આર.એસ.પીનો ખેસ પહેર્યો હતો.આ ઉપરાંત આરએસપીના ગુજરાતના જનરલ સેક્રેટરી અંકિત મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.