આણંદ : કોરોના વાઇરસની વ્યાપક અસરના કારણે સમગ્ર રાજ્યમાં અમલી બનેલી લોકડાઉન સંદર્ભમાં રાજ્ય સરકાર દ્વારા એનએફએસએ તથા નોન એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે ફૂડ બાસ્કેટ જાહેર કરવામાં આવ્યું છે, જેની વિતરણની કામગીરી આણંદ જિલ્લામાં પૂર્ણ થઇ ગઇ છે.  

અનલોક શરૂ થયાં બાદ સમગ્ર રાજ્યમાં સામાન્ય જનજીવન થાળે પડતાં રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસથી નિયત કરાયેલાં દર મુજબ નિયત વિતરણ પદ્ધતિ ચાલું કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા એનએફએસએ રેશનકાર્ડ ધારકો માટે વિશેષ વિતરણ પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. જે અનુસાર એનએફએસએના રેશનકાર્ડ ધારકોને આણંદ જિલ્લામાં નિયતદરથી વિતરણ કરવાનો પ્રારંભ આજે તા.૧લી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં નિયત દરથી વિતરણનો પ્રારંભ કરવામાં આવતાં આ અંગેની વિગતો આપતાં જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ ધારકોને જિલ્લાની ૬૭૪ વાજબી ભાવની દુકાનો પરથી આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાનું નિયત દરથી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે તા.૧૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

આ અંગેની જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલે ઓક્ટોબર માસમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિતરણની તેમજ ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમના આણંદ જિલ્લાના ૮ ગોડાઉનો ખાતે ઉપલબ્ધ જથ્થાની પણ સમીક્ષા કરી હતી, જ્યારે કોરોનાની મહામારીને ધ્યોનમાં રાખીને વાજબી ભાવની દુકાનો પર સોશિયલ ડિસન્ટસિંગનું ચૂસ્તપણે પાલન કરી સુચારું રીતે વિતરણ વ્યહવસ્થા ગોઠવાય તેમજ વિતરણ થાય તે જાેવા તમામ મામલતદારોને સૂચના આપી હતી.

જિલ્લા પૂરવઠા અધિકારીએ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલાં ર્નિણય મુજબ વાજબી ભાવના દુકાનદાર ઓનલાઇન કે ઓફલાઇન કોઇપણ પદ્ધતિથી વિતરણ કરી શકશે, જ્યારે ઓફલાઇન પદ્ધતિથી વિતરણ કરેલ જથ્થાની વાજબી ભાવની દુકાન દ્વારા ડેટા એન્ટ્રી કરવાની રહેશે તથા તેનાં નિયત રજિસ્ટર નિભાવવાના રહેશે. તેમજ ગ્રામ્ય કક્ષા, વોર્ડ કક્ષા, શહેરી કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની તકેદારી સમિતિ દ્વારા સમગ્ર વિતરણ વ્યવસ્થનું સક્રિય રીતે દેખરેખ થાય તે માટે તમામ મામલતદારોને સૂચના આપવામાં આવી હતી.