વડોદરા

વડોદરા શહેરમાં દિવસે દિવસે પાંચ પાંચ કાર્યપાલક ઈજનેર હોવા છતાં પાણીની સમસ્યા વકરતી જાય છે. એક તરફ સ્માર્ટ સીટી અને રાઉન્ડ ધ ક્લોક પાણી આપવાની વાત કરતુ તંત્ર પ્રજાને પૂરતા દબાણથી અને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં પાણીમાં બેસી ગયું છે. ત્યારે બીજી તરફ આ સ્માર્ટ સિટીની વાતો વચ્ચે તંત્ર અને અધિકારીઓની બેદરકારી સામે આવી છે. જેમાં કમાટીબાગમાં પાણીના જર્જરિત ખુલ્લા સંપને લઈને પાલિકાની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાવા પામ્યા છે. કમાટીબાગના ખુલ્લા સંપમાં એકત્ર થતી ગંદકી અને ભેગા થતા કચરાને લઈને રોગચાળાનો ભય વ્યક્ત કરાયો છે. શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ આ સાંપના પ્રત્યે પાલિકા તંત્રની ઘોર બેદરકારીને ઉજાગર કરી છે. જેમાં સંપનું ઉપરનું છત જર્જરિત થઈને સંપમાં કકડભૂસ થઈને પડી ગયું છે. જેને છુપાવવાને માટે એના પર કાપડથી ઢાકી દેવામાં આવ્યું હતું. પરંતુ એ ખુલ્લું રહેતા એમાં કચરા અને ઊડતી ધૂળ પડી રહી છે. જેને લઈને ગંદકી સંપમાં એકત્ર થઇ રહી છે. તેમજ આવી ગંદકીમાં રહેલું પાણી શહેરીજનોને વિતરણ કરાતા રોગચાળો ફેલાવવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્માર્ટ સીટી અને વિકાસની વાતો કરતા તંત્રને માટે આ હકીકત શરમજનક હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.