અમદાવાદ-

રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં હવે ઘટાડો થઈ રહ્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ૮૦ ટકા જેટલાં બેડ ખાલી પડ્યાં છે, ત્યારે રાજ્યમાં કોરોનાની બીમારીને હરાવીને સાજા થયેલા દર્દીઓ માટે નવી મુસીબત ઊભી થઈ છે. કોરોનાના સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માયકોસીસ બાદ હવે ગુલિયન બારી સિન્ડ્રોમ નામના રોગે દેખા દીધી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દસ કેસ સામે આવ્યા છે, અમદાવાદ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આ કેસ જાેવા મળ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. આ જૂનો રોગ છે, પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં વકર્યો છે, આ રોગમાં હાથ-પગે લકવો મારી જાય છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.પી. મોદીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યારે ૧૦ જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે, દર હજારે એકને આ રોગ થતો હોય છે, પણ કોરોનામાં સાજા થયેલા દર્દીઓમાં આ રોગ જાેવા મળી રહ્યો છે. વાઇરલ ઈન્ફેક્શન થાય તો એના ૨૦ દિવસ પછી પણ આ રોગ થતો હોય છે. આ નવો નહિ, પણ જૂનો રોગ છે. સિવિલ હોસ્પિટલના એક તબીબે જણાવ્યું હતું કે પોસ્ટ કોવિડ પછી અત્યારે ગુલિયન બારી સિન્ડ્રોમ રોગ વકર્યો છે, કોરોના મટયા બાદ હાથ-પગમાં લકવો થાય છે, પગમાં નબળાઈ આવે છે, બાળકોમાં આ રોગ વિશેષ થતો હોય છે.