રોમ

ભારતની ટોચની મહિલા રેસલર અને ટોક્યો ઓલિમ્પિકની દાવેદાર માનવામાં આવતી વિનેશ ફોગાટ ફરી એકવાર દુનિયાની નંબર વન ખેલાડી બની છે. ૨૬ વર્ષીય કુસ્તીબાજે સતત બે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં ગોલ્ડ મેડલ જીતીને રેન્કિંગમાં જબરદસ્ત કૂદકો લગાવ્યો હતો.

ફોગાટે માટિઓ પાલિકોન રેન્કિંગ રેસલિંગ સિરીઝ જીતીને સતત બીજા અઠવાડિયામાં બીજો ગોલ્ડ જીત્યો. આ સાથે તેણે ફરીથી પોતાના વજનના વર્ગમાં નંબર-૧ રેન્કિંગ મેળવ્યું. વિનેશ ટૂર્નામેન્ટમાં પ્રવેશતા પહેલા ત્રીજા ક્રમે હતી પરંતુ તેણે શનિવારે ગોલ્ડ મેડલ જીતી અને ૧૪ અંક મેળવી ટોચ પર પહોંચી.

નોંધપાત્ર વાત એ છે કે વર્લ્ડ ચેમ્પિયનશીપ બ્રોન્ઝ મેડલ વિજેતા વિનેશ ટોક્યો ઓલિમ્પિક રમતોમાં ક્વોલિફાઇ થનારી એકમાત્ર ભારતીય મહિલા રેસલર છે. તેણે શનિવારે રોમ રેન્કિંગ્સ સિરીઝમાં ૫૩ કિલોગ્રામ ફાઇનલમાં કેનેડાની ડાયના મેરી હેલેન વેકરને ૪-૦ થી હરાવી હતી.

વિનેશે પ્રથમ સમયગાળામાં તેના તમામ પોઇન્ટ બનાવ્યા અને બીજા ગાળામાં તેની લીડ જાળવી રાખીને ગોલ્ડ મેડલ જીત્યો. વિનેશે ગયા અઠવાડિયે કિવમાં ગોલ્ડ જીત્યો હતો અને તેનાથી તેને વિશ્વાસ મળ્યો હોત કે તેની ઓલિમ્પિક માટેની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે.

વિનેશે ટૂર્નામેન્ટમાં એક પણ પોઇન્ટ ગુમાવ્યો ન હતો. તેણે તેની ત્રણમાંથી બે એન્કાઉન્ટરમાં વિરોધીને પરેશાન કરી. શનિવારે સરિતા મોરેએ ૫૭ કિલોગ્રામમાં સિલ્વર મેડલ જીત્યો હતો.