વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે બીજા દિવસના અંતે 1 વિકેટે 57 રન કર્યા છે. તે ઇંગ્લેન્ડ (204)થી 147 રન પાછળ છે. ક્રેગ બ્રેથવેટ 20 રને અને શાઇ હોપ 3 રને રમી રહ્યા છે. ઓપનર જોન કેમ્પબેલ 28 રને જેમ્સ એન્ડરસનની બોલિંગમાં LBW થયો હતો. તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન 36 બોલમાં 3 ફોર મારી હતી. અગાઉ અમ્પાયરે કેમ્પબેલને 12 રને જેમ્સ ઍન્ડરસનની બોલિંગમાં LBW આઉટ આપ્યો હતો. જોકે બેટ્સમેને રિવ્યુ લઈને પોતાની વિકેટ બચાવી હતી. બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ થયો હતો.

ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ સ્ટેડિયમ ખાતે 204 રનમાં ઓલઆઉટ થયું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો બેન સ્ટોક્સના નિર્ણયને વિરોધી કેપ્ટન જેસન હોલ્ડરે 6 વિકેટ ઝડપી ખોટો પુરવાર કર્યો હતો. એકસમયે 87 રનમાં 5 વિકેટ ગુમાવનાર ઇંગ્લિશ ટીમ માટે સ્ટોક્સે 43, જોસ બટલરે 35 અને રોરી બર્ન્સે 30 રન કર્યા હતા. જોકે તેઓ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. વિન્ડિઝ માટે હોલ્ડર સિવાય શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી.

માર્ક વુડ 5 રને હોલ્ડરની બોલિંગમાં ગલીમાં શાઇ હોપના હાથે કેચ આઉટ થયો હતો.જોફરા આર્ચર શૂન્ય રને હોલ્ડરની બોલિંગમાં LBW થયો હતો. અમ્પાયરે નોટઆઉટ આપતા હોલ્ડરે રિવ્યુ લઈને ત્રીજી વાર અમ્પાયરનો નિર્ણય ચેન્જ કરાવ્યો હતો.

જોસ બટલર હોલ્ડરની બોલિંગમાં બોલ એન્ગલ સાથે અંદર આવ્યા પછી સ્ટ્રેટન થતા માત્ર એજ મેળવી શક્યો હતો, વિકેટકીપરે જમણી બાજુ ડાઈવ લગાવીને શાનદાર કેચ કર્યો હતો. બટલરે 47 બોલમાં 6 ફોરની મદદથી 35 રન કર્યા હતા. તે પહેેેલા બેન સ્ટોક્સ પણ હોલ્ડરની બોલિંગમાં કીપર ડાઉરિચના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 7 ફોરની મદદથી 43 રન કર્યા હતા.

ડ્રોપ: 1)સ્ટોક્સ 14 રને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે જોસેફની બોલિંગમાં કેમર રોચે ફાઇન લેગ પર તેનો કેચ છોડ્યો હતો. 2) સ્ટોક્સ 32 રને રમી રહ્યો હતો ત્યારે કેમર રોચની બોલિંગમાં એક્સ્ટ્રા કવર પર બ્રુક્સે તેનો સરળ કેચ છોડ્યો હતો.

ઓલી પોપ 12 રને હોલ્ડરની બોલિંગમાં કીપર ડાઉરિચના હાથે કેચ આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન હોલ્ડરે ઝેક ક્રોલેને પરફેક્ટ સેટ કર્યો હતો. સતત આઉટ સ્વિંગર નાખ્યા પછી એક બોલ અંદર લાવ્યો. ક્રોલે ખોટી લાઈને રમ્યો અને બોલ પેડને અડયો. અમ્પાયર રિચાર્ડ કેટલબ્રોએ નોટઆઉટ આપતા હોલ્ડરે રિવ્યુ લીધો જે બીજી વાર વિન્ડિઝના પક્ષમાં ગયો. ક્રોલેએ 26 બોલમાં 10 રન કર્યા હતા.

તે પહેલાં ગેબ્રિયલના લેગ-સ્ટમ્પ યોર્કર પર અમ્પાયરે રોરી બર્ન્સને LBW નોટઆઉટ આપતા કેપ્ટન હોલ્ડરે રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ લેગ સ્ટમ્પને કિસ કરી રહ્યો હતો. બર્ન્સે 85 બોલમાં 4 ફોરની મદદથી 30 રન કર્યા હતા. આઉટ થયા પહેલાં તેણે પોતાની 16મી ટેસ્ટમાં 1000 રન પૂરા કર્યા છે. તે પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂક પછી 1 હજાર રન કરનાર પ્રથમ ઓપનર બન્યો છે. કૂક 2007માં ઓપનર તરીકે 1 હજાર પૂરા કર્યા હતા. આમ, 13 વર્ષે અન્ય ઓપનર આ આંક વટાવી શક્યો છે.

જોઈ ડેન્લી શેનોન ગેબ્રિયલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 58 બોલમાં 4 ફોરની મદદથી 18 રન કર્યા હતા.

મહામારીના કારણે 116 દિવસ પછી ક્રિકેટની વાપસી થઈ, ત્યારે પહેલો રન નોંધાય તે પહેલાં વિકેટ પડી હતી. ઓપનર ડોમ સિબલે શેનોન ગેબ્રિયલના બોલને લિવ કર્યો, પરિણામે તેને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું. તે શૂન્ય રને બોલ્ડ થયો હતો. જોકે વરસાદ અને ખરાબ પ્રકાશના કારણે માત્ર 17.4 ઓવરની રમત શક્ય બની હતી.