અમદાવાદ, કોરોનાનો કહેર ધીરે ધીરે ઓસરી રહ્યો છે એટલે જનજીવન થાળે પડી રહ્યુ છે. બે વર્ષ બાદ લોકો નવરાત્રિના પર્વને માણી રહ્યાં છે. આ વર્ષે માત્ર શેરી ગરબાને જ મંજૂરી મળી છે, જાહેર ગરબા પર પ્રતિબંધ મૂકાયો છે. પણ આસ્થાનીત વાત કરીએ તો આ વર્ષે કોરોના કાળમાં માતાના તમામ ધામ ભક્તોને દર્શન માટે ખુલ્લા મૂકાયા છે. ત્યારે ગાંધીનગરના રૂપાલમાં કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલમાં મેળો નહિ યોજાય પણ પલ્લીના દર્શન થશે. માત્ર ગામના લોકો જ પલ્લીમાં હાજર રહી શકશે. વરદાયિની માતા રૂપાલના ટ્રસ્ટી નીતિન પટેલે માહિતી આપતા જણાવ્યું કે, ૧૫ ઓક્ટોબર આસો સુદ ૯ ના દિવસે રૂપાલની પલ્લી નીકળશે. આસો સુદ ૯ ના દિવસે માતાજી પરંપરા પલ્લી નીકળશે. પરંતુ આ વર્ષએ માત્ર ગામના લોકો પલ્લીમાં ભાગ લઈ શકશે. પલ્લી નિમિત્તે યોજાતો મેળો આ વખતે નહિ યોજાય. સોશિયલ ડિસ્ટન્સ સાથે પલ્લીનું આયોજન કરાશે. આજે ગાંધીનગરના સુપ્રસિદ્ધ એવા રૂપાલમાં વરદાયિની માતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા હતા. નવરાત્રિનો પર્વ હોવાથી ભુપેન્દ્ર પટેલ રૂપાલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ વરદાયિની માતાજીના દર્શન-પૂજન કર્યા હતા.