ન્યૂ દિલ્હી

ભારતીય મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને દુબઈનો ગોલ્ડન વિઝા મળ્યો છે. બોલીવુડના અભિનેતા શાહરૂખ ખાન અને સંજય દત્ત પછી આ પ્રાપ્ત કરનારી સાનિયા ત્રીજી ભારતીય બની છે. આ વિઝા મળ્યા પછી સાનિયા તેના પતિ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલ્લિક સાથે ૧૦ વર્ષ સુધી યુએઈમાં રહી શકે છે. આ સન્માન પ્રાપ્ત કર્યા પછી સાનિયાએ કહ્યું સૌ પ્રથમ હું શેખ મોહમ્મદ બિન રશીદ, ફેડરલ ઓથોરિટી ફોર આઇડેન્ટિટી એન્ડ સિટિઝનશિપ અને જનરલ ઓથોરિટી ઓફ સ્પોર્ટ્‌સ દુબઈને દુબઈ ગોલ્ડન વિઝા આપવા બદલ આભાર માનું છું. દુબઈ મારી અને મારા પરિવારની ખૂબ જ નજીક છે. 

સાનિયાએ વધુમાં કહ્યું કે, 'દુબઈ મારું બીજું ઘર છે અને અમે અહીં વધુ સમય વિતાવવા માટે રાહ જોઈ રહ્યા છીએ. ભારતના કેટલાક પસંદ કરેલા નાગરિકોમાંના એક તરીકે તે આપણા માટે એક મહાન સન્માન છે. આ આપણી ટેનિસ અને ક્રિકેટ રમતોમાં પણ કામ કરવાની તક આપશે. સાનિયા અને શોએબ ટૂંક સમયમાં દુબઈમાં ટેનિસ અને ક્રિકેટ એકેડમી ખોલવા માંગે છે અને આ દિશામાં પણ કામ કરી રહી છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા ૨૩ જુલાઈથી શરૂ થનારી ટોક્યો ઓલિમ્પિકમાં એક્શનમાં જોવા મળશે. તે મહિલા ડબલ્સ ઇવેન્ટમાં અંકિતા રૈના સાથે કોર્ટ લેશે.