વડોદરા : વડોદરા શહેરમાં સયાજીગંજ ડેરીડેન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની જન્મ જયંતીની દબદબાભેર ઉજવણી કરી હતી. આ ઉપરાંત અન્ય નાના મોટા રાજકીય પક્ષો અને સામાજિક કાર્યકરો તથા સરદાર પ્રેમીઓએ પણ સરદાર પટેલની સયાજીગંજની પ્રતિમાને પુષ્પહાર- સુતરની આંટી પહેરાવીને સરદાર જયંતીની ઉજવણી કરી હતી. ભાજપે આ ઉપરાંત સરદાર પટેલની જન્મ જયંતિની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવણી કરી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા આ દિવસે સરદાર પટેલ જન્મ જયંતી ઉપરાંત દેશના સર્વપ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિની પણ ઉજવણી કરી હતી. જો કે કોંગ્રેસ દ્વારા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિનો કાર્યક્રમ પક્ષના દાંડિયા બજાર સ્થિત કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના શહેરના પદાધિકારીઓ, કાર્યકરોએ ઉપસ્થિત રહીને ઈન્દિરાજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. જેમાં તેઓને દેશને માટે બલિદાન આપનાર શહીદ ગણાવ્યા હતા. ભાજપા અને પાલિકા દ્વારા યોજાયેલ સરદાર પટેલની જન્મ જયંતીના કાર્યક્રમમાં મેયર ડો. જિગીષાબેન શેઠ, ડેપ્યુટી મેયર ડો.જીવરાજ ચૌહાણ, સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, પાલિકાના કમિશ્નર સ્વરૂપ પી., વિપક્ષ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરી, અમીબેન રાવત, નરેન્દ્ર રાવત ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા સયાજીગંજ ડેરીડેન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી.