વડોદરા : સમા સ્થિત પોદ્‌ાર વર્લ્ડ સ્કૂલ દ્વારા એક વિદ્યાર્થીના વાલીએ ફી નહી ભરતા તેનો ઓનલાઇન અભ્યાસક્રમ બંધ કરીને આગળના ધોરણમાં પણ પ્રમોટ કરવામાં નહી આવતા વિદ્યાર્થીના વાલીએ કારેલીબાગ પોલીસ મથકમાં શાળા સંચાલકો સામે અરજી કરી છે.

રાજ્યના શિક્ષણ વિભાગે કોરોનાની મહામારીમાં શિક્ષણ વ્યવસ્થા સુચારુપણે ચાલે અને બાળકોનો અભ્યાસક્રમ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ ફરજીયાત બનાવ્યું હતું. અને કોરોનાની મહામારીમાં વાલીઓ સમયસર ફી ન ભરી શકે તો તેમની પર ફી ભરવા બાબતે દબાણ નહી કરવા પણ સૂચના આપી છે.પણ કેટલીક શાળાના સંચાલકો રાજ્યના શિક્ષણ વિભાગની સૂચનાને ધોળીને પી ગયા છે.અને વાલીઓ પાસે ફી માગીને હેરાન પરેશાન કરવામાં આવે છે.જેમાં સમા સ્થિત પોદ્‌ાર વર્લ્ડ સ્કૂલ દ્વારા ધોરણ પમાં અભ્યાસ કરતા વીર નૌકેશભાઇ ગાંધીએ ફી નહી ભરતા શાળા સંચાલકોએ ઓનલાઇન અભ્યાસક્રમ બ્લોક કરીને તેને પાંચમાં ધોરણથી આગળના ધોરણમાં પ્રમોટ નહી કરતા વિદ્યાર્થી વીરના પિતા નૌકેેશભાઇ અંબાલાલ ગાંધીએ કારેલીબાગ પોલીસ મથકમાં શાળાના આચાર્યા રેખા શાહ સામે અરજી આપી છે.કારેલીબાગ આનંદ નગર રોડ પર આવેલ અક્ષતા સોસાયટીમાં રહેતા નૌકેશભાઈ ગાંધી મંજુસર જીઆઇડીસીમાં ટ્રાન્સપોટનો વ્યવસાય કરે છે.તેઓએ કારેલીબાગ પોલીસ મથકમાં નોંધાવેલી અરજીમાં જણાવ્યુુ હતું કે તેમનો દીકરો વીર પોદ્‌ાર વર્લ્ડ સ્કુલ ધોરણ ૫ માં અભ્યાસ કરે છે.અને હાલ ઓનલાઇને અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. શાળા દ્વારા ફી ભરવા જણાવ્યુ હતું. પણ હાલ આર્થિક પરિસ્થિત ખરાબ હોવાથી ફી ન ભરી શકાતા રુ.૪૮ હજાર ભરવા નોટિસ આપી હતી.જેથી શાળા પાસે ફીના સ્ટ્રકટર બાબતની માહિતી માંગી હતી. છતાં પણ શાળા દ્વારા કોઇ માહિતી આપવામાં આવી ન હતી. તેમ છતાં પણ ફી પેટે ૧૫ હજાર ભર્યા હતા.ત્યારબાદ શાળા સંચાલકોએ બાકીની ફી માટે પુત્ર વીરનો ઓનલાઇન અભ્યાસક્રમ બંધ કરીને આગળના ધોરણમાં પ્રમોટ નહી કરી દીકરાને માનસિક રીતે ભણતર બગડે તે રીતે હેરાન કરવામાં આવેલ છે. આ અરજીના આધારે કારેલીબાગ પોલીસે તપાસ શરુ કરી છે.