રાજકોટ-

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે માટી કૌભાંડ સામે આવ્યું ત્યારે તેના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીને માનવામાં આવતા હતાં. આ મામલે તેમનું નામ સામે આવતા તેઓએ પોતાના કાર્યકારી રજિસ્ટ્રાર પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. જ્યારે તેમની સામે તપાસ ચાલી રહી હતી. એવામાં તેમને રાજીનામુ આપતા તે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે તપાસ કમિટી દ્વારા માટી કૌભાંડ મામલે પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ આપવામાં આવી છે. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એવા ડો. ભાવિન કોઠારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિન્ડિકેટ બેઠકમાં કૌભાંડ મામલે બે રિપોર્ટ આવ્યા હતા. જેમાં એક તપાસ સમીતિનો રિપોર્ટ અને બીજો રિપોર્ટ હરદેવસિંહ જાડેજાએ આપ્યો હતો. આ બન્ને રિપોર્ટની ચર્ચા બાદ અમે આ મામલે કામના કોન્ટ્રાક્ટરને દોષિત ઠેરવીએ છીએ. જેને ઓવર બીલિંગ કર્યું છે. આ કોન્ટ્રાક્ટરની કંપનીને બ્લેક લિસ્ટ કરવાના છીએ. તેમજ તેને રૂપિયા 1 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહુચર્ચિત માટી કૌભાંડ મામલે તપાસ સમિતિ દ્વારા સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં બ્યુટીફીકેશનના કામમાં માટી કૌભાંડ થયાનું સામે આવ્યુ હતું. કામ દરમિયાન માટીના ફેરાનું વધારાનું બિલ મૂકીને આ બિલ પાસ કરાવવામાં આવનાર હતું પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઓડિટ વિભાગ દ્વારા આ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. આ કામમાં ઉપયોગમાં લેવાયેલા ટ્રેક્ટરના નંબર પણ બીલમાં ખોટા લખ્યા હોવાનું સાબિત થયું હતું. જેને લઈને આ કૌભાંડ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી.