નડિયાદ : ભક્તો અને શ્રદ્ધાળુઓ નવાં વર્ષનાં પ્રથમ દિવસે ડાકોરના રાજાધિરાજના અન્નકૂટના દર્શન નહીં કરી શકે! આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં તકેદારીના પગલાં રૂપે સવારે મંદિર બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મંદિર તંત્ર દ્વારા બેસતાં વર્ષે મંદિર દર્શનાર્થીઓ અને વૈષ્ણવો માટે બંધ રાખવાનું નક્કી કરાયું છે. વહીવટી તંત્રના આ ર્નિણયથી વૈષ્ણવોમાં વ્યાપક નિરાશા છે. એક રાહતના સમાચાર એ છે કે, બપોર બાદ સાંજના ૪ વાગ્યા પછી મંદિર દર્શનાર્થીઓ માટે દર્શન ખુલશે અને શ્રીજીમહારાજના તમામ ભોગના દર્શન રાબેતા થશે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, ડાકોર મંદિરમાં હયાત અન્નકૂટ લૂંટ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. હાલ જે મંદિર છે તેનાં નિર્માણકાળથી આ પરંપાર અતૂટ રહી છે. આ વર્ષે મહામારીની કેન્દ્રીય સરકારી ગાઈડલાઈનને કારણે મંદિરની પરંપરા તૂટશે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મંદિર મેનેજમેન્ટ, પોલીસ વિભાગ અને સરપંચોની મીટિંગમાં વાદ-વિવાદ બાદ પણ કોઇ સમાધાન નીકળ્યું નહોતું. આ બેઠક બાદ આજુબાજુના ગામના સરપંચોએ ભેગાં મળી ડાકોર મંદિર અને ઠાસરા મામલતદારને આવેદનપત્ર આપી બેસતાં વર્ષે અન્નકૂટ મંદિર પરંપરા મુજબ લૂંટવા દેવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલનની ચમકી ઉચ્ચારી હતી.

યાત્રાધામ ડાકોરમાં મંદિર અન્નકૂટ ઉત્સવ બાબતે વહીવટી પરંપરા અને ધાર્મિક પરંપરા સામસામે થઈ છે. ૨૫૦ વર્ષથી ચાલી આવતી મંદિરની આ પરંપરામાં જાળવવા મુજબ અન્નકૂટ લૂંટ ઉત્સવ રાબેતા મુજબ જ કરવા ઠાસરા તાલુકાના સરપંચોએ સરકારી તંત્રને આવેદનપત્ર આપી આંદોલનની ચમકી ઉચ્ચારી હતી. વહીવટી તંત્ર કેન્દ્રીય ગાઈડલાઈન આગળ ધરી છટકી ગયું હતું. મંદિર મેનેજમેન્ટ તંત્ર પણ અન્નકૂટ ઉત્સવની ઉજવણીને લઈ અસમંજસમાં હતું. નવાં વર્ષના પહેલાં દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી. પોલીસ વિભાગે મામલો થાળે પાડ્યો પણ વર્ષના પહેલાં દિવસે મંદિરમાં વૈષ્ણવ પ્રવેશ બંધ રાખવા ર્નિણય લેવાયો હતો.

સૂત્રોનું કહેવું છે કે, સરપંચો અને પોલીસ વિભાગની બેઠકમાં બેસતાં વર્ષે અન્નકૂટ ઉત્સવ બાબતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટેની ચર્ચાને અંતે સરપંચોએ પોતાનો ઉપવાસ આંદોલનનો ર્નિણય મોકૂફ રાખ્યો હતો. આમ છતાં પોલીસ આ બાબતે સતર્કતા દાખવી બેસતાં વર્ષે મંદિરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.