બુરહાનપુર-

ટ્રેનની સ્પીડથી રેલવે સ્ટેશનનું બિલ્ડિંગ ધ્રુજવા લાગ્યું અને ગણતરીની મિનિટોમાં જ આખું બિલ્ડિંગ ધરાશાયી. હાશકારાની વાત એ રહી કે રેલવે સ્ટેશન ખૂબ નાનું છે. આથી અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. આ ઘટના મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાની છે. બુરહાનપુર જિલ્લા સ્થિત મુંબઇ-દિલ્હી લાઇન પર એક નાનકડું ચાંદની રેલવે સ્ટેશન છે. મોટાભાગે લાંબા અંતરની ટ્રેન અહીં થોભતી નથી. બુધવાર સાંજે ચાર વાગ્યે અહીંથી પુષ્પક એક્સપ્રેસ પસાર થઇ.

એ સમયે ટ્રેનની સ્પીડ અંદાજે ૧૧૦ કિલોમીટર હતી. ટ્રેન પસાર થતાં જ રેલવે સ્ટેશનની બિલ્ડિંગમાં ધ્રુજારી શરૂ થઇ ગઇ છે. ટ્રેનને લીલી ઝંડી દેખાડવા માટે રેલવેકર્મી પ્રદીપ કુમાર પવાર બહાર નીકળ્યા હતા, તેના લીધે તેઓ અકસ્માતનો ભોગ બન્યા નહીં. ધ્રુજારી બાદ બિલ્ડિંગ ધડામ કરતાં પડી ગઇ. અકસ્માસના સમયે સ્ટેશન પર પેસેન્જર નહોતા અને રેલવે સ્ટાફ પણ ખાસ નહોતો. તેના લીધે કોઇ ઝપટમાં આવ્યું નથી. આ બિલ્ડિંગ ધરાશાયી થતા બાંધકામ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે રેલવે સ્ટેશનોના બાંધકામમાં ક્વોલિટી સાથે સમજૂતી થતી નથી. કહેવાય છે કે રેલવે સ્ટેશનની બિલ્ડિંગનું બાંધકામ ૨૦૦૪ની સાલમાં થયું હતું. હજુ તેના બાંધકામને ૧૭ વર્ષ જ થયા છે અને ધડામ કરતાં પડી ગયું. બિલ્ડિંગમાં પિલ્લરનો ઉપયોગ થયો નહોતો આથી ધ્રુજારીને ખમી શકયું નહીં. તો અકસ્માતને લઇ રેલવેની તરફથી હજુ કોઇ પ્રતિક્રિયા આવી નથી. ઘટના બાદ રેલવેના અધિકારીઓ સ્થળ પર ચોક્કસ પહોંચી ગયા હતા.