નડિયાદ : હંમેશા સત્ય અને તથ્યને વળગી રહેલાં લોકસત્તા-જનસત્તાના ‘સ્પેશિયલ ૨૬’ કૌભાંડના અહેવાલ બાદથી નટપુરનું નગરપાલિકા તંત્ર અને નગરજનો ચોંકી ઊઠ્યાં છે. આ સમગ્ર બાબત નડિયાદ પાલિકાના ચીફ ઓફિસરના ધ્યાને આવતાં જ તેમણે પાલિકાના મહેકમ વિભાગ પાસે રિપોર્ટ મગાવ્યો છે. અગાઉ આ સંદર્ભે લોકસત્તા જનસત્તામાં મ્યુનિસિપાલિટી કમિશનરના પત્ર સાથેનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ ઘટનામાં ૨૦૧૪ની ફિક્સ પગારદારોની ભરતીમાં નગરપાલિકાના સત્તાધારીઓ દ્વારા સત્તાનો દૂરઉપયોગ કરી ૨૬ લોકોની ભરતીમાં પોતાના મળતિયાઓને ગોઠવી દેવાનો કારસો રચાયો હતો. આ ભરતીમાં ૨૬ પૈકી ૨૫ પદો ભરી દેવાયાં હતાં, જ્યારે ૧ હોદ્દાની ભરતી કોઈક કારણોસર કરાઈ નહોતી, જેથી ભરતીથી વંચિત રહી ગયેલાં બાબુભાઈ પટેલ અને તેમના પત્નીની અનેક રજૂઆતો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. નડિયાદ નગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી અને તેની પ્રક્રિયા બંને ફક્ત સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા અને દેખાડા માટે જ કરાયેલી પ્રક્રિયા હતી, પરંતુ પાલિકામાં સરકારી નોકરી પર કોને અને કયા પદ પર કાયમી કરવા તે અગાઉથી જ ફિક્સ કરાયેલું હતું. તેમજ સ્ક્રીપ્ટ પ્રમાણે તમામની ખોટી રીતે ભરતી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. હવે આ સમગ્ર બાબતે જ્યારે ચોંકાવનારા ખુલાસા થયાં છે ત્યારે નડિયાદ નગરપાલિકા દ્વારા આ કૌભાંડને સમાવી દેવા મરણિયા પ્રયાસ ચાલી રહ્યાં છે. આ બધાની વચ્ચે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ સમગ્ર પ્રકરણના અહેવાલ માટે મહેકમ વિભાગ પાસે દસ્તાવેજી પુરાવા માગવામાં આવ્યા છે. 

રોજગારીના કોઈ વિકલ્પ નથી, ત્યારે આ પ્રકારે સરકારી નોકરીઓમાં કૌભાંડ એ શરમજનક બાબત!

આ મુદ્દે હાલ નગરપાલિકાના સત્તાધારીઓ ‘સ્પેશિયલ ૨૬’ પર કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવવા માટે મરણિયા પ્રયાસ કરી રહ્યાં હોવાનું કહેવાય છે. નડિયાદના નગરજનો દ્વારા પાલિકા સત્તાધારીઓ પર માછલાં ધોવાઈ રહ્યાં છે. કેટલાંક જાગૃત નાગરિકોએે જણાવ્યું હતું કે, અત્યારે બેરોજગારીનો દર વધી રહ્યો છે, ત્યારે નડિયાદ જેવાં નાના શહેરમાં તો નોકરી માટે યુવાનો દર-દર ભટકી રહ્યાં છે. યુવાનોને ૩૦૦૦થી માંડી વધુમાં વધુ ફક્ત ૮૦૦૦ જેટલો પગાર મળે છે. આવા સંજાેગોમાં નગરપાલિકાના સત્તાધારીઓ દ્વારા આચરાયેલાં આ ‘સ્પેશિયલ ૨૬’ કૌભાંડ નગર નટપુરના નાગરિકો અને સત્તાધારીઓ માટે શરમજનક છે.

પ્રાદેશિક કમિશરને રિપોર્ટ કરી દેવાયો છેઃ જિલ્લા કલેક્ટર

આ સમગ્ર કૌભાંડ સંદર્ભે આજે જિલ્લા સમાહર્તા ઈશ્વરભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યંુ હતું કે, આ બાબતે કલેક્ટર કચેરી દ્વારા પ્રાદેશિક કમિશનરને રિપોર્ટ રજૂ કરી દેવાયો છે. નડિયાદ પાલિકા દ્વારા ખોટી ભરતી કરી તેમને કાયમી કરી દેવાના મુદ્દે હવે પ્રાદેશિક કમિશનર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પ્રાદેશિક કચેરીના નિર્માણ બાદ હવે ભરતીની બાબતે કલેક્ટર કચેરી કે નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી.