વલસાડ, ગુજરાત એસ ટી નિગમ અનલૉકમા માત્ર બેઠકક્ષમતાના ૭૫ ટકા પ્રમાણે મુસાફરો લેવાના આદેશનો અમલ કરે છે પણ તેમાં છડેચોક સામાજિક દૂરીના નિયમનો ભંગ કરાય છે. બાવન બેઠકની બસમાં ૩૯ને અને મિનીમાં ૨૪ જણાને બેસાડવાનો આદેશનો અમલ કરે છે પણ તેમાં બે બેઠક -પ્રવાસી વચ્ચે એક બેઠક ખાલી રાખવાની /બે ગજનું અંતર રાખવાનુ છે તેનું પાલન થતું નથી.મોટી બસની બેઠક ગોઠવણી પ્રમાણે દૂરી જાળવતા ૨૯ જણાને જ બેસાડી શકાય અને નાની બસમાં બેઠક દીઠ એક બેસાડે તો ૮ ૮=૧૬ જણાને જ બેસાડી શકાય. નિગમના કે વાહનવ્યવહાર ખાતાના ઉચ્ચ અધિકારીઓને આ વાસ્તવિકતાની પાંચ માસ વિત્યે ખબર પડી જ નથી. જેથી તેઓ કેન્દ્રના આદેશના ૭૫ ટકા પ્રમાણે બેસાડીને સામાજિક દૂરીના નિયમનો છડેચોક ભંગ કરે છે. એસટી સરકારી હોય એટલે માર્ગદર્શિકાનો અમલ કરવો પડે જેમાં ખાનગીવાળા ભરપૂર બેસાડીને અઢળક કમાણી કરી રહ્યા છે જેઓને કોઈ નીતિ નિયમ લાગુ પડતા નથી, જેના પર તંત્રોના ચાર હાથ હોય છે. 

 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટા ઉપાડે રાહત દરે લગ્ન માટે મીની અને મોટી બસ આપવાની જાહેરાતો કરેલી, જેના માટે નિગમે ઠાઠિયુ બસને રંગરોગાન કરીને વિશેષ ઓળખ આપી હતી. વલસાડ વિભાગ માટે પણ પાંચેક બસ ફાળવી જેનો ભાગ્યે જ ઉપયોગ થયો હશે અને હાલમાં મહામારીમાં જે થોડાઘણા લગ્નો કમુરતા પહેલાં નીકળ્યા એમાં ભાગ્યે જ કોઈએ લગ્ન માટે એસટી બસનું બુકીંગ કરાવ્યું હશે. એટલે કે ૭૫% બેસાડવાના નિયમના કારણે નિગમે કેજ્યુઅલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા છે અને તેનો લાભ પ્રસાદી આપીને ખાનગીવાળા લઈ ગયા છે.