વડોદરા, તા.૧૨

હરણી લેક ઝોનની દુર્ઘટના બાદ સતર્ક બનેલા પાલિકાતંત્ર દ્વારા પોતાના બિલ્ડિંગો સ્ટ્રકચર સ્ટેબિલિટી ચકાસવામાં આવી રહી છે. ત્યારે વર્ષોજૂની પાલિકાની મુખ્ય કચેરીના જૂના બિલ્ડિંગ અને નવા બિલ્ડિંગના સ્ટ્રકચર સ્ટેબિલિટીની ચકાસણી માટે નમૂના ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે પાલિકાતંત્ર દ્વારા બે વર્ષ પૂર્વે સ્ટ્રકચર ચકાસી જરૂરી રિપેરીંગ કરાયું હતું.

વડોદરા કોર્પોરેશન દ્વારા હરણી લેક ઝોન ખાતે હોડી દુર્ઘટના બાદ તેના તમામ બિલ્ડિંગો, શાળાના બિલ્ડિંગોની ચકાસણી માટે અધિકારીઓની કમિટી બનાવી છે. ઉપરાંત જે વર્ષોજૂના બિલ્ડિંગો છે તેવા પાલિકાની મુખ્ય કચેરીનું બિલ્ડિંગ સહિત કેટલીક બિલ્ડિંગોના સ્ટ્રકચર સ્ટેબિલિટી ચકાસણીની કામગીરી જીઓટેક સર્વને સોંપવામાં આવી છે.

ત્યારે એક અઠવાડિયા પૂર્વે આ ખાનગી કંપનીના કર્મચારીઓ દ્વારા પાલિકાની કચેરીની નવી બિલ્ડિંગમાં આઈટી સહિત વિભાગોની ચકાસણી કરીને સેમ્પલો લીધા બાદ આજે જૂની બિલ્ડિંગમાં આધુનિક સાધનો સાથે ક્યાંથી સેમ્પલો લઈ શકાય તે માટે સર્વે કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, પાલિકાના અધિકારીઓની વિવિધ ટીમો પણ અલગ અલગ બિલ્ડિંગોના સ્ટ્રકચર સ્ટેબિલિટીની તપાસ કરી રહી છે. પરંતુ વર્ષોજૂની બિલ્ડિંગો છે તેમાં નૉન-ડિસ્ટ્રિક્ટિવ ટેસ્ટ સહિત કરવાના હોય છે, જેથી આવી બિલ્ડિંગોની ચકાસણી ખાનગી એજન્સીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે ક, પાલિકા દ્વારા આ બિલ્ડિંગનું બે-ત્રણ વર્ષ પૂર્વે સ્ટ્રકચર સ્ટેબિલિટી ચકાસી જરૂરી રિપેરીંગ કામગીરી કરાવી હતી.