વડોદરા,તા.૫

ભારતીય જનતા પાર્ટીની સત્તાનો સૂરજ સોળે કળાએ ખીલી રહ્યો છે. એવા ટાણે ગ્રામ્ય, શહેર અને પ્રદેશ કક્ષાએ ચાલી રહેલા પત્રિકા કાંડને લઈને અનેક મોટામાથાઓનો ભોગ લેવાઈ રહ્યો છે. આગામી વર્ષમાં યોજાનાર લોકસભાની ચૂંટણીઓને માટે તમામ પક્ષોએ તલવારો ખેંચી લીધી છે, એવા સમયે સત્તાની સાઠમારીમાં રાચતા ભાજપના નેતાઓ રાજકીય મેદાનમાં હવે એકબીજાની ટાંટીયા ખેંચની રમત રમવામાં સક્રિય થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પહેલા ચાલેલા પત્રિકા કાંડ બાદ વડાપ્રધાને વિદાય પછી પક્ષના કે બહારના કોઈપણ ભ્રષ્ટાચારીને છોડાશે નહીં, એવું નિવેદન આપ્યાના ગણતરીના કલાકોમાં જ ગુજરાતના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને વડોદરા શહેરના મહામંત્રી સુનિલ સોલંકીના રાજીનામાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈને ગુજરાત ભાજપાના રાજકારણના સમીકરણોમાં બદલાવનો પવન ફુંકાવાનો ચાલુ થઇ ગયો છે.

આ બંને મહામંત્રીઓના રાજીનામાને લઈને ખાસ કરીને ભાજપાનું આંતરિક રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ બાદ ભાજપામાં ઊંચો હોદ્દો ધરાવનારાઓના ધડાધડ રાજીનામાને લઈને ખળભળાટ મચી ગયો છે. જેને લઈને ગુજરાતની રાજનીતિમાં અને ખાસ કરીને ભાજપામાં ભૂકંપ જેવી સ્થિતિ ઉદ્‌ભવી છે. વડોદરા શહેરના પૂર્વ મેયર અને શહેર ભાજપના મહામંત્રી સુનિલ સોલંકી દલિત સમાજમાં પછાત વાલ્મિકી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓએ સ્વેચ્છાએ પોતાના શહેર મહામંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપ્યાનું જણાવ્યું છે. સુનિલ સોલંકીએ એકાએક રાજીનામું આપી દેતાં શહેરના રાજકીય વર્તુળોમાં તરેહ તરેહની ચર્ચાઓ ચાલી છે. આ બધા વચ્ચે તેઓએ જણાવ્યું છે કે તેમને એક સપ્તાહ પહેલા પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. જે આપતાં પહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ચર્ચા પણ કરી લીધી છે.

સુનિલ સોલંકી તો રાજીનામું અંગત કારણોસર આપ્યાનો ખુલાસો કરી રહ્યા છે, પરંતુ રાજકીય ક્ષેત્રના ધુરંધરોને એ ગળે ઊતરતું નથી. જાેકે, રાજીનામાની સાથોસાથ તેઓએ એવી સ્પષ્ટતા કરી છે કે હું ભાજપા પક્ષનો પાયાનો કાર્યકર છું એટલે પાર્ટીને આજે પણ વફાદાર છું અને આગળ હંમેશા રહીશ.

રાજીનામાને લઈને શહેરથી પ્રદેશ કક્ષા સુધી બધું બરાબર ચાલી રહ્યું નથી એવા સંકેતો મળી રહ્યાં છે. ત્યારે ભાજપાની આંતરિક યાદવાસ્થળીનો લાવારસ ક્રમશઃ ધરતીકંપની માફક ફાટી રહ્યો હોય એમ રાજકીય નિષ્ણાતોમાં ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની ગતિવિધિઓ ચાલી રહી છે અને જે ઘટનાક્રમ બની રહ્યાં છે એ જાેતા સુનિલ સોલંકી પણ જૂથવાદનો ભોગ બન્યાં હોય તેવું પક્ષના કેટલાક અગ્રણીઓને લાગી રહ્યું છે. ચોક્કસ જૂથ દ્વારા ઉચ્ચ સ્તરે કરાયેલી ફરિયાદના કારણે સુનિલ સોલંકીનું રાજીનામંુ માગવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. જાેકે, શહેર પક્ષના અગ્રણીઓ દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. ભાજપનું હાઈ કમાન્ડ હાલમાં લોકસભાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે ગુજરાતમાં સંગઠનના માળખામાં મચેલી હલચલને લઈને દિલ્હીમાં પણ નારાજગી હોવાનું પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ભાજપમાં વિરોધી જૂથના નેતાઓની અશિસ્તની ફરિયાદો હવે દિલ્હી દરબાર સુધી પહોંચી છે. એમ પણ ચર્ચાય છે કે હાલમાં લોકસભાની ચૂંટણી નજીકમાં હોવાથી ભાજપ આ તમામ વિરોધી જૂથો સામે હથિયાર હેઠા મૂકીને બેઠું છે.

ભ્રષ્ટાચાર

વડોદરા શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકીને વડોદરા પાલિકાના વિશેષ અનુભવને ધ્યાનમાં લઈને તેઓને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મંજુર થતા ટેન્ડરોમાં લેવાતા પક્ષના ફંડની મહત્વની જવાબદારી પક્ષના મોવડીઓ દ્વારા સોંપવામાં આવી હતી. આમાં વ્યાપક ગેરરીતિઓ થયાની ચર્ચા છે. જેને માટે સુનિલ સોલંકી જવાબદાર હોઈ રાજીનામું લઇ લઈને ઠીકરું એમના માથે ફોડવામાં આવ્યાની પણ ચર્ચા છે. આ ટેન્ડરોનો વહીવટ કરોડોમાં હોવાનું પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાય છે.

વ્યભિચાર

વડોદરા શહેર ભાજપાના મહામંત્રી સુનિલ સોલંકીનો ભોગ ભાજપામાં મહિલા કાર્યકરો સાથેની ઉઠક બેઠકને લઈને લેવામાં આવ્યો હોવાનું ચર્ચાય છે. પક્ષની મહિલાઓ સાથેની ઉઠક બેઠકમાં સુનિલ સોલંકીની સામેલગીરી કેટલા પ્રમાણમાં છે એ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ મુદ્દો પણ રાજીનામા પાછળ કેન્દ્ર સ્થાને હોવાનું પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને પક્ષના કાર્યકરોમાં સુનિલ સોલંકીના જાહેર જીવનના અંગત કારનામાઓની ચર્ચાઓ આજે નગરમાં કેન્દ્ર સ્થાને રહેવા પામી હતી.

રાજકીય સ્પર્ધા

વડોદરા શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકી દલીત સમાજમાં પછાત ગણાતા વાલ્મિકી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જેને લઈને તેઓનું આગામી દિવસોમાં રાજકીય કદ ઘણું વધવાની શક્યતાઓ જાેવાઈ રહી હતી. આ સંજાેગોમાં એમને નિશાન બનાવવાને માટે ચિત્તાની માફક નજર રાખીને બેઠેલા વિરોધીઓએ લાગે જાેઈને એમનો પક્ષના હોદ્દો પરથી ધળમૂળથી કાંટો કાઢી નાખ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ ‘ક્રાંતિકારી’ કોઈ નવી ક્રાંતિ કરીને આગળ વધે એ પહેલા જ એમનો ભોગ લેવાઈ ગયાનું ચર્ચાય છે.

પક્ષની શિસ્ત વિરુદ્ધની પ્રવૃત્તિ

પૂર્વ મેયર અને પક્ષના મહામંત્રી સુનિલ સોલંકી સામે વડોદરાના વર્તમાન મેયર નિલેશસિંહ રાઠોડ વિરુદ્ધના પત્રિકાકાંડમાં શહેરના ક્ષત્રિય સમાજની આગેવાનીમાં અપાયેલા આવેદનપત્રમાં સામેલ દિવ્યાબેન પરમારના નિવેદનમાં પક્ષના આંતરિક વિવાદને લઈને શિસ્ત વિરુદ્ધની પ્રવૃતિઓ કરવા બદલ પણ તેઓનું રાજીનામુ લઇ લેવામાં આવ્યું હોવાનું ચર્ચાય છે. આમ વર્તમાન મેયર વિરુદ્ધના પત્રિકાકાંડમાં પૂર્વ મેયરને પક્ષના મહત્વના ગણાતા મહામંત્રીપદને છોડવાની ફરજ પડી હતી.