સુરત-

મહાનગર પાલિકા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો કોન્સેપ્ટ વિકસાવવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિરો-દરગાહ પરથી ફૂલોના વેસ્ટ ભેગા કરીને તેમાંથી અળસિયાના ખાતરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ખાતરનો ઉપયોગ મનપા પોતાના બાગ બગીચાઓમાં કરી રહી છે. જાે કે ખાસ વાત એ છે કે, મંદિર-મસ્જિદ બંધ હોવા છતાં પણ ઝાડ પાનના વેસ્ટમાંથી ખાતાર બનાવાયું છે. અન્ય રાજ્યથી ડેલિગેશન આ પ્લાન્ટની મુલાકાત પણ લઈ રહ્યા છે. ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, મસ્જિદ કે, દહેરાસરો પર પૂજા વિધિ માટે ઉપયોગમાં લેવાયેલા ફૂલોને નદીમાં વિસર્જિત કરી દેવામાં આવે છે.

તેનાથી તાપી નદી દૂષિત થતી હતી. જેથી બે વર્મિ કમ્પોઝ પ્લાન્ટ દ્વારા મનપા છેલ્લા ૩ વર્ષથી શહેરના દરેક મંદિર, દરગાહ પર ચડાવાયેલા ફુલના કચરામાંથી અળસિયાનું ખાતર બનાવવાની કામગીરી કરી રહી છે. ખાસ કરીને મનપા સંચાલિત બાગ બગીચાઓમાં આ ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ મનપા આ ખાતરનું વેચાણ કરી આવક પણ ઉભી કરી રહી છે.આ ખાતર ૧૦૦ ટકા ઓર્ગેનિક હોવાથી પર્યાવરણને ફાયદાકારક છે.

કોરોના કાળમાં પણ પ્લાન્ટ બંધ ન રાખતા ઝાડ-પાનના ટ્રીમિંગ વેસ્ટમાંથી ખાતર બનાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરાઈ હતી. મહત્વની વાત એ છે કે, વિદેશોમાં પણ આ પ્રોજેક્ટ વખાણાય રહ્યો છે અને ઘણા વિદેશીઓ આ પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત પણ લઇ રહ્યા છે. સાથે જ હવે લોકો પણ જાગૃત થયા છે અને મંદિરમાં પૂજાપો ચડાવ્યા બાદ પોતે જ ખાતર બનાવવા માટે સેન્ટર પર આપી જતાં હોય છે.