સુરત-

સુરતના બારડોલીના લેઉવા પટેલ પાટીદાર સમાજના બ્રેઈનડેડ મહિલાના પરિવારે તેણીના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. કોરોનાની બીજી લહેર પછી રાજ્યમાં સુરતમાંથી હૃદય અને ફેફસાના દાનની આ સૌ પ્રથમ ઘટના છે. ડોનેટ લાઇફ દ્વારા સુરતમાંથી ૩૨મી વખત હૃદય અને ૭મી વખત ફેફસાનું દાન કરાયું છે.

બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામમાં આવેલા ટેકરા ફળિયામાં રહેતા કામિનીબેન ભરતભાઈ પટેલ (ઉ.વ.૪૬) ગત તા.૧૭મીએ સવારે પથારીમાંથી ઉભા થવા જતા તેઓ ઉભા થઈ શક્યા નહોતા. જેને પગલે પરિવારે ડોક્ટરને બોલાવી તપાસ કરાવતા કામિનીબહેનનું બ્લડપ્રેશર ખુબ જ વધી ગયું હોવાની ખબર પડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અહીં સીટી સ્કેન સહિતની તપાસ કરાવતા કામિનીબેનને બ્રેઈન હેમરેજ થયાનું નિદાન થતાં વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કરાયો હતો. દરમિયાન ગત તા. ૫મીએ તબીબોની ટીમે કામિનીબેનને બ્રેઈનડેડ ઘોષિત કર્યા હતા. ત્યારબાદ પરિવારે કામિનીબેનનાં અંગોનું દાન કરવાનો ર્નિણય લેતા ડોનેટ લાઈફની ટીમનો સંપર્ક કરી તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન મળ્યું હતું.કામિનીબનેના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની હોસ્પિટલમાં મુંબઈની રહેવાસી ૪૬વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હવાઈમાર્ગે સુરતથી હૈદરાબાદ સુધીનું ૯૪૦ કિમીનું અંતર ૧૬૦ મિનિટમાં કાપી મહારાષ્ટ્ર, જલગાંવની ૩૧ વર્ષીય મહિલામાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.આ મહિલાના ફેફસા કોરોનાને કારણે ખરાબ થઈ ગયા હતા. અને તેણીની સારવાર મેડિકલના મશીનો પર ચાલી રહી હતી, જ્યારે કામિનીબેનની એક કિડની અમદાવાદની ૩૦ વર્ષીય મહિલા, બીજી કિડની અને લિવર અમદાવાદની ૨૭ વર્ષીય મહિલા અને ભાવનગરમાં ૫૮ વર્ષીય આધેડમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.