લખનૌ-

યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વચ્ચે રાજકીય ટકરાવ જાેવા મળી રહ્યો છે ત્યારે હવે તેમાં ભોજપુરી ફિલ્મોના અભિનેતા અને ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશન પણ કુદી પડ્યો છે.તાજેતરમાં એક ટીવી ડિબેટમાં ઓવૈસીએ સીએમ યોગી આદિત્યનાથને આગામી વર્ષની ચૂંટણીમાં સત્તા પરથી બહાર ફેંકી દેવાનુ નિવેદન આપ્યુ હતુ.

જેના જવાબમાં હવે રવિ કિશને કહ્યુ છે કે, ઓવૈસીજીએ મહારાજજીને ટીવી ચેનલ પર ચેલેન્જ આપી છે. ઓવૈસી સાહેબ તમારી સાથે સંસદમાં મુલાકાત થતી હોય છે અને ૧૯મીથી ફરી લોકસભા શરૂ થવાની છે. ત્યાં પણ હું કહીશ. યુપીની ૨૪ કરોડની જનતા, ભાજપનુ સંગઠન, હિન્દુ યુવા વાહિની સંગઠન તમારી ચેલેન્જ સ્વીકારે છે. મહારાજજીને હરાવવાની વાત તો દૂર રહી તમે અડકી તો બતાવો, પગપાળા હૈદ્રાબાદ પાછા જવુ પડશે.રવિ કિશને કહ્યુ હતુ કે, યોગી આદિત્યનાથ બ્રહ્મચર્યનુ પાલન કરનારા છે. તેઓ રોજ અઢી કલાક આરતી કરતા સન્યાસી છે. તેમના તેજથી ઓવૈસીજી તમે નષ્ટ થઈ જશો.ઉલ્લેખનીય છે કે, ઓવૈસીએ યોગીને પડકાર ફેંક્યો છે કે, ૨૦૨૨માં તમને સીએમ નહીં બનવા દઈએ. ઓવૈસીની પાર્ટી ઓમ પ્રકાશ રાજભર અને બાબુ સિંહ કુશવાહાના ભાગીદારી સંકલ્પ મોરચા સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાની છે અને ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડવાની પણ તેમણે જાહેરાત કરેલી છે.