દેવગઢ બારિયા

ગોધરા તરફથી પૂરપાટ દોડી આવતા ઇન્ડિયન ઓઇલ કંપનીનું ગેસ ભરેલું ટેન્કરનું ટાયર દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા નજીક ફાટતા સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર રોડની સાઇડમાં ઉતરી જઇ મોટા સાઇન બોર્ડ સાથે ભટકાતા ટેન્કરમાંથી ગેસ લિકેજ થતાં દાહોદ ગોધરા હાઇવે પરનો બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાતા અનેક વાહનો અટવાયા હતા અને તે રૂટ દેવગઢબારીયા તરફ ડાયવર્ટ કરતા નગરમાં મોડી રાત સુધી વાહનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. આવા સમયે જો દેવગઢ બારીયા બાયપાસ રોડ બનાવવામાં આવ્યો હોત તો વાહન ચાલકોને તથા બારીયા નગરની જનતાને મોટી રાહત થઇ હોવાનું લોકોમાં ચર્ચાયું હતું.

ગતરોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે ગોધરાથી દાહોદ તરફ આવી રહેલું ઈન્ડિયન ઓઇલ કંપનીનું એમ.પી પાર્સિંગનું ગેસ ભરેલું ટેન્કરનું ટાયર દાહોદ મધ્ય પ્રદેશની હદ સુધીના નેશનલ હાઇવે નંબર ૪૭ ઉપર દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામે રોડ પર અચાનક ફાટી જતા ટેન્કરના ચાલકે ટેન્કરનો કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડની ડાબી સાઈડમાં ઉતરી મોટા સાઇન બોર્ડ સાથે અથડાતા ટેન્કરનો વાલ્વ લીકેજ થતા ગેસ ગળતર થવાનું શરૂ થતા નજીકમાં આવેલ ભથવાડા ટોલનાકાના કર્મચારીઓએ સાવચેતીના ભાગરૂપે ટોલનાકાના તમામ લાઈટો તેમજ નજીકના ગામોના લાઈટો બંધ કરાવી આ અંગેની જાણ દેવગઢ બારીયા પોલીસ તેમજ દાહોદ અને દેવગઢબારીયા ફાયર બ્રિગેડ અને કરાતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગેસ ગળતર થતો અટકાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન નેશનલ હાઇવેનો બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાતા અનેક વાહનો અટવાયા હતા. આ સમયે તે રૂટને બારીયા તરફ ડાયવર્ટ કરાયો હતો.