આણંદ : ૩૧મી ડિસેમ્બરે અમદાવાદ ગ્રામીણ એસીબીએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું છટકું ગોઠવીને ખાખીના વેશમાં ફરતાં મગરમચ્છને ઝડપી પાડ્યો હતો. અમદાવાદ રેન્જના આરઆર સેલના વહીવટદાર એએસઆઇ પ્રકાશસિંહને ૫૦ લાખની લાંચ પ્રકરણમાં રંગેહાથે ઝડપી પાડવા એસીબીએ જે રીતે પ્લાન બનાવ્યો હતો એ જાણીને ચોંકી જવાઈ એવું છે. સૌથી પહેલો સવાલ કે, આરોપીએ એક, બે કે પાંચ લાખ નહીં પણ પૂરાં ૫૦ લાખની લાંચ માગી હતી! છટકું ગોઠવાયું ત્યારે આટલાં બધા રૂપિયા આવ્યાં ક્યાંથી? 

એક ચર્ચા મુજબ, એસીબી હાથમાં આવેલાં આટલાં મોટા મગરમચ્છને કોઈપણ ભોગે જાળમાં પકડવા માગતી હતી. એસીબીએ ગોઠવેલાં છટકા માટે ૫૦ લાખ રૂપિયા રીતસર એરેન્જ કરવામાં આવ્યાં હતાં. સૂત્રોનું કહેવું છે કે, એસીબીએ કરેલાં જડબેસલાક પ્લાનિંગમાં પ્રકાશસિંહે ખંભાતના નકલી ખાતરના એક કેસમાં એક આરોપીના નામનો ઉલ્લેખ ન કરવા સામે રૂપિયા ૬૦ લાખની માગણી કરી હતી. આ મામલે એન્ટિ કરપ્શન બ્યૂરોને જાણ કરવામાં આવતાં પ્રકાસસિંહને ઝડપી લેવા માટે યોજના બનાવવામાં આવી હતી. આ જડબેસલાક યોજનામાં એસીબી સામે સૌથી મોટી મુશ્કેલી ૫૦ લાખની રોકડ ક્યાંથી લાવવી એ હતી! ફરિયાદી ખુદ આટલી મોટી રોકડ અરેન્જ કરી શકે તેવી સ્થિતિ ન હતી!

સૂત્રોનું કહેવું છે કે, એસીબી પાસે નિયમ પ્રમાણે ટ્રેપ મની માટે વધુમાં વધુ રૂપિયા ૨૦ લાખ હોય છે. અહીં ડિમાન્ડ ૫૦ લાખ રૂપિયાની હતી! એસીબી પણ હાથમાં આવેલાં મગરમચ્છને છટકવા દેવા માગતી ન હતી.

આખરે એસીબીએ પોતાની પાસે રહેલાં ફંડમાંથી સાડા છ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. જાેકે, જરૂર હતી પૂરાં ૫૦ લાખ રૂપિયાની! બાકીના રૂપિયા ૪૩.૫૦ લાખ અરજન્ટમાં મેનેજ થાય તેવી કોઈ સ્થિતિ ન હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ, એસીબીના એક સિનિયર અધિકારીએ એક યોજના બનાવી હતી. ચર્ચા મુજબ, આ યોજના પ્રમાણે પ્રકાશસિંહને લાંચની રકમ આપવામાં આવી ત્યારે તેમાં ઓરિજિનલ નોટો તો માત્ર રૂપિયા ૬.૫૦ લાખની જ હતી. આરોપીને શંકા ન જાય એ માટે ઓરિજિનલ નોટ્‌સની નીચે કાગળના બંડલ મૂકી દેવામાં આવ્યાં હતાં. આરોપી પ્રકાશસિંહે જેવી રૂપિયા ભરેલી બેગ સ્વીકારી કે તરત જ ત્યાં મોજુદ એસીબીની ટીમ ત્રાટકી હતી. પ્રકાશસિંહને લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો.

સૂત્રોનું કહેવું છે કે, આ કેસમાં એસીબીએ કાયદાકીય જાેગવાઈઓ અનુસાર પંચનામું કર્યું છે, જેમાં બેગમાં સાડા છ લાખની જ રોકડ હોવા છતાં લાંચની માગણી ૫૦ લાખની કરી હોવાનું દર્શાવાયું છે. બીજી તરફ એસીબીના સૂત્રોનું કહેવું છે કે, લાંચની આરોપી દ્વારા કરવામાં આવેલી માગણીના પૂરાવા એસીબી પાસે છે. આરોપી દ્વારા લાંચ માગી હોવાના ઓડિયો પૂરાવાને મજબૂત બનાવવા માટે તેનાં અવાજના નમૂનાને સાઇન્ટિફિકલી મેચ કરવા માટે એફએસએલમાં ટેસ્ટ કરાશે. આ સિવાય રિમાન્ડ દરમિયાન કેસના સાંયોગિક પૂરાવાઓને એકબીજા સાથે જાેડીને કેસને વધુ મજબૂત કરવામાં આવશે. એસીબી કેસમાં આરોપીને સજા મળે એ માટે તમામ આધુનિક ટેક્‌નિકનો ઉપયોગ કરશે.

સાયન્ટિફિક ટેક્‌નિકના સહારે કેસની કડીઓને જાેડવામાં આવશે

ગુજરાતના ઈતિહાસના સૌથી મોટાં છટકાના આ કેસમાં તમામ કડીઓને એકબીજા સાથે જાેડીને કેસ મજબૂત બનાવવા એસીબી સાયન્ટિફિટ ટેક્‌નિકનો ઉપયોગ કરશે. ભ્રષ્ટાચારના કેસમાં ટ્રેપમાં રંગેહાથે ઝડપાયાં બાદ પણ આરોપીને સજા અપાવવાનું કામ ચેલેન્જિંગ હોય જ છે. ઘણી વખત એક નાનકડી કડી ખૂટી પડતાં આરોપી તેનો લાભ લઈને છૂટી જતો હોય છે, પણ હવે એસીબી પાસે રહેલી આધુનિક ટેક્‌નોલોજીનો ઉપયોગ કરીને આવાં ટ્રેપના કેસમાં આરોપી છટકી ન જાય તેની પૂરેપુરી તકેદારી રાખવામાં આવે છે.