દિલ્હી-

સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત માટે સારી ખબર એ છે કે, ચીનમાં ફસાયેલા 16 ભારતીય નાવિકોની જલ્દી વતન વાપસી થવા જઈ રહી છે. મિનિસ્ટ્રી ઓફ પોટ્‌ર્સ, શિપિંગ એન્ડ વૉટરવેઝના મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી છે કે, પોર્ટમાં ફસાયેલા એમવી અનસ્તાસિયાના ૧૬ ભારતીય નાવિક 14 ફેબ્રુઆરીએ પરત ફરશે. માંડવિયાએ કહ્યું કે, માલવાહક જહાજ એમવી અનસ્તાસિયા જાપાનથી આજે યાત્રા શરૂ કરવા જઈ રહ્યું છે અને 14 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે.

મંત્રી મનસુખ માંડવિયાએ ટ્‌વીટ કરીને માત્ર આ ખુશખબરી જ નથી આપી પરંતુ આ પ્રયત્ન માટે ચીન અને શિપિંગ કંપની એમએસસીની સરાહના કરી છે. જણાવી દઈએ કે, આ અઠવાડિયે જ ચીનના અધિકારીઓએ માલવાહક જહાજ એમવી અનસ્તાસિયાના ૧૬ ક્રૂ મેમ્બરને બદલવાની મંજૂરી આપી હતી. ચીનના પોર્ટ કાઓફિડીયન પર ગત વર્ષે સપ્ટેમ્બરથી આ જહાજ રોકી રાખવામાં આવ્યું છે.

આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, તેમને આશા છે કે, ક્રૂ મેમ્બર બદલવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, ચીનમાં આપણા હાઈકમિશન દ્વારા સતત વાતચીત બાદ ત્યાંના અધિકારીઓએ ક્રૂ પરિવર્તનની મંજૂરી આપી છે.