વડોદરા, તા.૨

કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે જીવતા કારતૂસની લોડેડ રિવોલ્વર લઈને મોકાની રાહ જાેતાં ઈસમને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારે અવરજવર ધરાવતા વિસ્તારમાં પિસ્તોલનો ઉપયોગ થાય એ પહેલાં પોલીસે ઝડપી પાડયો હતો.

શહેરના માંજલપુર વિસ્તારમાં અલવા નાકા પાસે જીવતા કારતૂસ અને માઉઝર (પિસ્તોલ) સાથે ફરી રહેલા એક યુવાનને શહેર એસઓજી પોલીસે માહિતીના આધારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે માઉઝર (પિસ્તોલ), ત્રણ જીવતા કારતૂસ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂા.૨૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવાન કયા કારણોસર માઉઝર (પિસ્તોલ) લઇને ફરી રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

માંજલપુર પોલીસ સ્ટેશનમાં એસઓજીના એએસઆઇએ નોંધાવેલી ફરિયાદ મુજબ એસઓજી પોલીસના પીઆઇ એસ.જી.સોલંકીની સૂચના અનુસાર એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, એક યુવાન પિસ્તોલ સાથે જીઆઇડીસી વડસર રોડ ઉપર બાંકડા ઉપર બેઠો છે, જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે વોચ ગોઠવી ખાતરી કરીને યુવાનને એક માઉઝર (પિસ્તોલ) અને ત્રણ જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં પિસ્તોલ સાથે ઝડપાયેલ માંજલપુર અલવા નાકા પાસે આવેલ બી-પવન દૂતનગરમાં રહેતો મેહુલ દુષ્યંતરાવ ગોડસે હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મેહુલની પૂછપરછમાં જણાવ્યું હતુ કે બે વર્ષ પહેલાં તે આ પિસ્તોલ અને જીવતા કારતૂસ રાજસ્થાનના ભવાની મંડી ખાતેથી રૂા.૩ હજારમાં લાવ્યો હતો. પોલીસે મેહુલ પાસેથી પિસ્તોલ, ત્રણ જીવતા કારતૂસ તેમજ તેની પાસેનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૨૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. મેહુલ કયા કારણોસર પિસ્તોલ લઇને ફરતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે તેની પાસેથી વધુ વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે. હાલ આ બનાવ અંગે પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

એસઓજી તરફથી પીઆઈ એસ.જી.સોલંકીની ટીમે આરોપીને માંજલપુર પોલીસને સોંપતાં માંજલપુર પોલીસે હથિયારબંધી ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી મેહુલ આ હથિયારનો શું ઉપયોગ કરવાનો હતો એની તપાસ હાથ ધરી છે એ ઉપરાંત એનો મોબાઈલ ફોન જપ્ત કરી કોલ ડિટેઈલ મેળવી એ કોના સંપર્કમાં હતો એ પણ શોધવામાં આવશે.