વડોદરા : શહેરના વોર્ડ-૧૭ના ભાજપાના મહિલા કોર્પોરેટર સંગીતા પટેલના ભાઈની આજે બપોરે માંજલપુર પોલીસે દારૂનો ચિક્કાર નશો કરીને ઘરમાં ધમાલ કરવા બદલ કોર્પોરેટરના ઘરેથી અટકાયત કરી હતી. નશેબાજ ભાઈને પોલીસ મથકે લાવ્યાના ગણતરીના કલાકમાં તેનું પોલીસ મથકમાં જ મોત નીપજતા એક સમયે કસ્ટોડિયલ ડેથના બનાવથી દોડધામ મચી હતી. મૃતક લાંબા સમયથી ટીબીની બિમારીથી પિડાતો હોઈ તેનું કુદરતી સંજાેગોમાં મોતની પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

માંજલપુરમાં તુલસીધામ ચારરસ્તા પાસે આવેલી ત્રિવેણીધામ સોસાયટીમાં રહેતા વોર્ડ-૧૭ના ભાજપાના મહિલા કોર્પોરેટર સંગીતાબેન પટેલનો ભાઈ ૩૮ વર્ષીય ગૈારાંગ ઉર્ફ ગવો ગોપાલભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી દારૂ પીવાના રવાડે ચઢી જતા તેની પત્નીએ તેને છોડીને ભરુચ ખાતે બીજા લગ્ન કરી લીધા છે. ગૈારાંગ કોઈ કામધંધો કરતો ન હોઈ તે સંગીતાબેનના ઘરે અવારનવાર આવીને રહેતો હતો. દારૂનો નશો કરવાના કારણે તે ટીબીની ગંભીર બિમારીથી પિડાતો હતો અને તેનું લીવર પણ ડેમેજ થયું હતું. કોર્પોરેટર સંગીતાબેને તેની સારવાર પણ શરૂ કરાવી હતી અને તેને દારૂની કુટેવ છોડી દેવા માટે સમજાવ્યો હતો પરંતું તેની તબિયત કે તેના વર્તનમાં કોઈ ફેર પડ્યો નહોંતો.

આજે બપોરે પણ ગૈારાંગે દારૂનો નશો કરીને સંગીતાબેનના ઘરમાં ધમાલ શરૂ કરી હતી જેથી કંટાળેલા સંગીતાબેને જાતે પોલીસ કન્ટ્રોલ રૂમમાં તેમનો ભાઈ દારૂ પીને ધમાલ કરતો હોવાની જાણ કરી હતી. આ ફોનના પગલે માંજલપુર પોલીસે તુરંત તેમના ઘરે પહોંચીને ગૈારાંગની નશો કરેલી હાલતમાં અટકાયત કરી હતી. તેને માંજલપુર પોલીસ મથકમાં લાવીને તેને પીએસઓ પાસેના ટેબલ પર બેસાડવામાં આવ્યો હતો અને તેની વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરતી હતી તે દરમિયાન આશરે સાડા અગિયારવાગ્યાના અરસામાં ગૈારાંગે છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી અને તે નીચે ફસડાઈ પડ્યો હતો અને તેણે પેન્ટમાં લઘુશંકા કરી હતી. આ દ્રશ્યના પગલે પોલીસ જવાનો તેને ઉભો કરીને નજીક આવેલા બાથરૂમમાં લઈ જતા હતા તે સમયે તે ફરીથી ફસડાઈને નીચે પડ્યો હતો અને બેભાન થયો હતો. તે ભાનમાં નહી આવતા પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી જેના પગલે પોલીસ મથકમાં આવેલા ૧૦૮ના કર્મચારીઓએ ગૈારાંગને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના પગલે દોડધામ મચી હતી. આ દરમિયાન સંગીતાબેન પણ પોલીસ મથકમાં આવ્યા હતા અને તેમણે ગૈારાંગ બિમાર હોવાનું જણાવ્યું હતું. હાલમાં માંજલપુર પોલીસે આકસ્મિક મોતનો બનાવની પોલીસ ચોપડે નોંધ કરી છે.

મૃતદેહના કોવિડ ટેસ્ટ બાદ પેનલ પોસ્ટ મોર્ટમ કરાશે

પોલીસ મથકમાં મોતના પગલે મામલતદાર પોલીસ મથકમાં આવ્યા હતા અને તેમણે ઈન્કવેસ્ટ ભરી લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે એેસીપી એસ.જી.પાટીલે જણાવ્યું હતું કે હાલમાં ગૈારાંગનું બિમારીના કારણે કુદરતી સંજાેગોમાં મોત થયું હોવાનું અનુમાન છે પરંતું તેના મૃતદેહના કોવિડ ટેસ્ટ બાદ તેનું ફોરેન્સીક –પેનલ પોસ્ટમોર્ટમ કાલે હાથ ધરાશે જેમા મોતનું ચોક્કસ કારણ કદાચ જાણી શકાશે.