આણંદ, તા.૭ 

આણંદ શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ફરી શહેરના જાહેર માર્ગો પર ગાયોના ટોળાં રખડતાં જાેવાં મળી રહ્યાં છે. આ રખડતી ગાયો રોજેરોજ રોડ પર અડિંગો જમાવે છે. લોકોમાં ચર્ચા છે કે, રખડતાં ઢોરને પકડવાની કામગીરી હાલ બંધ કરી દેવામાં આવી છે. જાેકે, નવાઈની વાત તો એ છે કે, ઢોર પાર્ટીના માણસો રાજસ્થાની છે અને હાલ કોરોનાની મહામારી વચ્ચે તેઓ વતન જતાં રહ્યાં હોવાથી આ કામગીરી ઠપ થઈ ગઈ છે!

આણંદમાં રખડતાં ઢોરનાં કારણે વાહનચાલકોને અકસ્માત, રાહદારીઓને ઇજા અને કેટલાંક કિસ્સામાં મૃત્યુની ફરિયાદોનું લાંબા સમયથી કોઇ નિરાકરણ આવ્યું નથી. શહેરના મોટાભાગના રસ્તાઓ પર અડિંગો જમાવી બેઠેલાં ઢોરને કારણે તેમજ મસમોટા ખાડાં પડી જવાથી વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા પરના રેઢીયાળ ઢોરને કારણે નાના મોટાં અકસ્માતો તો ઠીક, પરંતુ ઘણાં લોકોનાં જીવ પણ ગયાં છે. તેમ છતાં પાલિકાનું તંત્ર ઘોરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, એક બાજુ તહેવાર ટાણે ખરીદી કરવા નીકળેલાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના મહામારીની ગાઇડલાઇનનું પાલન કકવાનું છે ત્યાં ભરબજારના મુખ્ય રસ્તાઓ પર રખડતાં ઢોરના શિંગડે ચડવાનો વારો આવી રહ્યો છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો પર પડી ગયેલાં મસમોટા ખાડાંઓને કારણે વાહનચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. પ્રજાની સમસ્યાઓનું નિવારણ કરવાને બદલે આંખ-આડા કાન કરી રહેલા પાલિકાના સત્તાધીશો સામે શહેરીજનોમાં રોષ ભભૂક્યો રહ્યોે છે. 

જાહેર માર્ગો પર ગાયોના અડિંગા અને દોડાદોડીના કારણે શહેરીજનોને ખૂબ સાવચેતીથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગાયોના વધતાં ત્રાસ અંગેની અનેકો રજૂઆતોેના પગલે આણંદ નગરપાલિકા દ્વારા કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. પાલિકાના સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજસ્થાનના કોન્ટ્રેક્ટરને અગાઉ આણંદના વિવિધ માર્ગો પરથી રખડતાં ઢોરને પકડવાની કામગીરી સોંપાઈ હતી. આ કામગીરીમાં પશુમાલિક પાસેથી દંડ વસૂલવામાં આવતો હતો. પશુમાલિક ન આવે એવી સ્થિતિમાં રખડતાં ઢોરને અજરપુરાની ગૌશાળામાં મોકલવામાં આવતાં હતાં. આ કામગીરી વખતે પણ જાહેરમાર્ગો પર જાેખમી દૃશ્યો સર્જાયાં હતાં. મોટાંભાગે એવું થતું હતું કે, આગળ ગાય દોડતી હોય તેની પાછળ પશુનો માલિક બાઇક લઈને બચાવી રહ્યો હોય અને આ બંનેની પાછળ ઢોરપાર્ટી વાહન લઈને દોડતી હોય, તેવાં જાેખમી દૃશ્યો જાેવાં મળતાં હતાં. આવાં સમયે રાહદારીઓને ઈજા થવાની ઘટનાઓ પણ બની હતી. કેટલાંક કિસ્સાઓમાં તો પશુમાલિકો અને ઢોરપાર્ટી વચ્ચે બોલાચાલીના દૃશ્યો પણ જાેવા મળ્યાં છે.

પાલિકાના સત્તાધીશો પાસે રખડતાં ઢોરોને પાંજરે પૂરવા કોઈ આયોજન જ નથી !

ઘણીવાર જીવલેણ બનેલાં રખડતાં ઢોરને લીધે અકસ્માતની ભીતિ સર્જાય છે. અગાઉ પણ ઢોરને કારણે અકસ્માતે મૃત્યુના બનાવો બન્યાં છે. છતાંય પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી. પાલિકા પાસે જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પાંજરે પૂરવાનું કોઈ આયોજન જ નથી. ગંભીર બાબતે વારંવાર રજૂઆતો કરીએ છતાંય પરિણામ શૂન્ય જ મળે છે. જ્યાં સુધી નગરપાલિકા આળસ ખંખેરી કડક હાથે કાર્યવાહી નહિ કરે ત્યાં સુધી પરિસ્થિતિ જૈસે થે રહેશે. • રમેશભાઈ પ્રજાપતિ, રહેવાસી, આણંદ

એકબાજુ કોરોનાથી લોકો ગભરાઈ રહ્યાં છે ત્યાં બીજી બાજુ રખડતાં ઢોર શિંગડે ન ચડાવે તેનું ધ્યાન રાખો!

આણંદના જાગૃતજનોનું કહેવું છે કે, એકબાજુ કોરોના મહામારી હોવાથી ઘરની બહાર નીકળીયે ત્યારે ઘણીબધી સાવચેતી રાખવી પડે છે. રાજમાર્ગો પર રખડતાં ઢોર દોડાદોડી કરી મૂકે તો જીવ બચાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલાઈ જાય છે. આવામાં લોકો કરે તો શું કરે?