નડિયાદ : ઠાસરા નગરપાલિકાના કરાર આધારિત ચીફ ઓફિસર ડી.ડી.શ્રીમાળીની કામગીરી સંતોષકારક ન જણાતાં મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશનર દ્વારા કરારના સમય પહેલાં ફરજમુક્ત કરવામાં આવતાં નગરમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ હતી. ઠાસરા નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ ચીફ ઓફિસરની ફરજમુક્તિ અટકાવવા ગાંધીનગર તરફ દોટ મૂકી હતી. બીજી તરફ ઠાસરા નગરપાલિકાનો વહીવટી ચાર્જ બીજાે હુકમ ન થાય ત્યાં સુધી ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસરને સોંપવામાં આવ્યો છે. પાલિકા પ્રમુખે મુખ્યમંત્રી સહિત સંબંધિત તંત્રને ચીફ ઓફિસરની ફરજમુક્તિ અટકાવી પુનઃ ફરજ નિયુક્ત કરવા રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. 

નગરપાલિકાની ટર્મ પૂરી થતાં ફેબ્રુઆરીમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. આવાં સમયે અચાનક પાલિકાના કરાર આધારિત ચીફ ઓફિસર ડી.ડી.શ્રીમાળીને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરે ફરજમુક્ત કરતાં ઠાસરા નગરપાલિકામાં સોંપો પડી ગયો છે. આમ તો ઠાસરા પાલિકા ચીફ ઓફિસર ડી.ડી.શ્રીમાળીની કરાર આધારિત નિમણૂકનો સમય ૨૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂર્ણ થવાનો હતો. પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરને ડી.ડી.શ્રીમાળીની કામગીરી સંતોષકારક ન લાગતાં કરારની સમય અવધિ પૂરી થાય તે પહેલાં જ ૧૮ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ફરજ સમય પૂર્ણ થયાં પછી તેઓને ફરજમુક્ત જાહેર કરાયાં હતાં.

ઠાસરા નગરપાલિકામાં વિસ્તારમાં ૧૮ જાન્યુઆરીના રોજ ૨ કરોડના નવીનતમ કામોના ખાત મૂહુર્ત થઈ ચૂક્યાં છે. જાેગનુંજાેગ તે દિવસે સાંજે ચીફ ઓફિસરને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશર દ્વારા ફરજમુક્ત જાહેર કરાયાં હતા. ઠાસરા નગરપાલિકા વિસ્તારમાં નવીન માર્ગ નિર્માણ ,વારી ગૃહ નિર્માણ, ગટરના કામો, કબ્રસ્તાન અને સ્મશાનનું નિર્માણ, ડમ્પિંગ સાઇટનું કામ અને વરસાદી પાણીના નિકાલના કામો શરૂ થઈ ચૂક્યાં છે. દોઢ કરોડના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ થઈ ચૂક્યું છે. ઠાસરા પાલિકા વિસ્તારમાં આશરે ૪.૨૫ કરોડના વિકાસના કામો પ્રગતિમાં છે. આવાં સમયે અચાનક ચીફ ઓફિસરને ફરજમુક્ત કરાતાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.